અમદાવાદ-

કોરોનાના કેસો ફરી એક વાર વધવા માંડયા છે, તેના કારણે ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ ડો. ચંદ્રેશ જરદોશ અને અન્ય તબીબોએ એવો મત વ્યક્ત કર્યો છે કે, ચૂંટણી સમયે છૂટછાટો જાેવા મળી ઉપરાંત શાળાઓ શરૂ થઈ છે. અત્યારે શાળાઓના વિદ્યાર્થીઓમાં ઝાડાના કેસ વધવા લાગ્યા છે, એટલું જ નહિ પરંતુ હાલમાં મહિલાઓમાં કોરોનાનો ચેપ વધવા માંડયો છે. વિદેશમાં જે નવો સ્ટ્રેન જાેવા મળ્યો છે તેની તીવ્રતા વધુ છે. રસીકરણ બાદ આપણે ત્યાં મોટા ભાગના લોકોમાં ઈમ્યુનિટી આવી ગઈ હોય તેવું લાગે છે, અત્યારે કોરોનાના કેસો જરૂર વધ્યા છે પરંતુ તૂર્ત જ રિકવરી આવી જાય છે, મૃત્યુનું પ્રમાણમાં સાવ ઓછું છે.

આ સ્થિતિ વચ્ચે આગામી બે મહિનામાં ઘણું બધું કંટ્રોલમાં આવી જશે તેમ લાગે છે. અમદાવાદ શહેરમાં ધીમે ધીમે કોરોનાના કેસો વધવા લાગ્યા છે, જેના કારણે ખાનગી કોવિડ હોસ્પિટલોના ખાટલા ફરી દર્દીઓથી ભરાવા લાગ્યા છે, અમદાવાદની ૬૨ ખાનગી કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલોમાં અત્યારે કુલ બેડની ક્ષમતા ૨૩૦૬ છે, જે પૈકી ૨૯૮ દર્દીઓ આઈસોલેશન સહિતના વિવિધ વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ખાનગી હોસ્પિટલોમાં ૮૦થી ૧૦૦ આસપાસ દર્દી રહેતાં હતા. રાજકારણીઓએ ટોળાં ભેગા કરતાં ફરી એક વાર સ્થિતિ વકરી છે. અમદાવાદની ખાનગી કોવિડ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં ૧૨૪ દર્દી, એચડીયુમાં ૧૨૧ દર્દી, આઈસીયુમાં ૨૮ દર્દી, વેન્ટિલેટર ઉપર ૨૫ દર્દી સારવાર હેઠળ છે. ખાનગીમાં ૨૦૦૮ બેડ અત્યારે ખાલી છે. તબીબી નિષ્ણાતો માને છે કે, કોરોના અત્યારે વધુ ઘાતક નહિ નીવડે.