સુરત-

કોરોનાએ 24 જેટલા સુરત મનપા કર્મચારીઓનો ભોગ લીધો છે. કોરોનાની મહામારીમાં વિવિધ સેવામાં કર્મચારીઓ જોડાયા હતા. સરકારી ખાતામાં કાર્યરત સૌથી વધુ કોઈ કર્મચારીઓના મોત કોરોનાને કારણે થયા હોય તો તે સુરત મહાનગર પાલિકાના કર્મચારીઓ છે.જ્યારથી કોરોના સંક્રમણની શરૂઆત થઈ છે, ત્યારથી આજ સુધી મહાનગરપાલિકાના અધિકારી અને કર્મચારીઓ એક દિવસની રજા લીધા વગર 24 કલાક કાર્યરત છે. જેમાં ઉચ્ચ અધિકારીઓ સહિત હેલ્થ વર્કરો કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે અવિરત સેવા આપી રહ્યા છે. ફરજ દરમિયાન પાલિકાના 1250 કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હતા. જે પૈકી 1201 કર્મચારીઓ કોરોનાને માત આપી પોતાની ફરજમાં જોડાયા છે. 25 કર્મચારીઓ હાલ સારવાર લઈ રહ્યા છે, જ્યારે 24 કર્મચારીઓના મોત થયા છે. આ અંગે સુરત મ્યુનિસિપલ કમિશનર બંચ્છાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, પાલિકાના કર્મચારી અને અધિકારીઓના નિષ્ઠાથી કોરોના કાળમાં ફરજ બજાવી છે અને જેટલા કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે તે તમામના પરિવારને સરકાર તરફથી 25 લાખની સહાય મળી રહે તે માટે અમે કાર્યરત છીએ.