અમદાવાદ-

રાજયના તમામ મોટો શહેરોમાં કોરોનાના ગંભીર દર્દીઓની સંખ્યા અને મૃત્યુઆંક સર્વોચ્ચ સ્તરે છે. ગઇકાલે વાયરલ થયેલ વિડીયોમાં સુરતના ઉમરા સ્મશાનમાં ૧પ થી વધુ મૃતદેહો વેઇટીંગમાં બતાવાયા હતા. જેમાં પરિજનો અંતિમ સંસ્કાર માટે રાહ જોતા નજરે પડયા હતા. અહીં કુલ ૪૦ થી વધુ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવેલ જેમાંથી ૧પ થી વધુના કોરોના ગાઇડ લાઇન મુજબ અંતિમ સંસ્કાર કરાયેલ.

વિડીયોમાં વ્યકિત લોકોને પરિસ્થિતિ સમજવા અને વિચાર કરવા જણાવી રહ્યો છે. એક મિનીટ ૬ સેકન્ડના વિડીયામાં એક સાથે ૧પ મૃતદેહો બતાવાયા છે, જે વેઇટીંગમાં છે. યુવક ટોક નંબર ૪૦ દેવાની પણ વાત વિડીયોમાં કરી રહ્યો છે. બીજી તરફ કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગની ટીમ સુરત પહોંચી છે. તેમણે કલેકટર, કમિશ્નર સાથે મીટીંગ બાદ જણાવેલ કે ગત વર્ષની તુલનામાં આ વર્ષે સ્થિતિ વધુ ગંભીર છે. યુકે અને દક્ષીણ આફ્રિકી સ્ટેનની પુષ્ટી બાદ દર્દીઓ ઝડપથી વધી રહ્યા છે. માર્ચની શરૂમાં ૧૦-ર૦ ગંભીર દર્દીઓ દાખલ થતા જે એપ્રિલમાં વધીને ર૦૦ થી રપ૦ પહોંચી ગયા છે. જેના કારણે મૃત્યુ આંક પણ વધી રહ્યો છે.

તો બીજી તરફ કોરોનાની સ્થિતિ કેટલી ગંભીર છે તેને પુરવાર કરતા દ્રશ્યો રાજકોટ સિવિલ હોસ્પિટલ બહાર જોવા મળે છે. સુરત, અમદાવાદ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલનો વીડિયો વાયરલ થયો છે. જેમાં હોસ્પિટલ બહાર 10થી 12 એમ્બ્યુલન્સ લાઈન લગાવીને ઉભી છે તેવું દ્રશ્યમાન થાય છે. આ તમામ એમ્બ્યુલન્સમાં કોરોનાના દર્દીઓ છે. જેઓ હોસ્પિટલમાં સારવાર મળે તેની રાહ જોઈને એમ્બ્યુલન્સમાં સૂતા છે.