અમદાવાદ -

કોરોનાની ઝપેટમાં હવે આઈપીએલ પણ આવી ગઈ છે. સોમવારે અમદાવાદમાં રમાનારી કોલકાતા નાઈટ રાઈડર્સ અને બેંગલુરુની મેચ આજે ટાળવામાં આવી છે. આ મેચ હવે પછીથી રમાશે. મળતી માહિતી મુજબ કોલકાતાની ટીમના બે ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. ત્યારબાદ આ નિર્ણય લેવાયો છે. વરુણ ચક્રવર્તી અને સંદીપ વોરિયર કોરોના પોઝિટિવ આવ્યા છે.

આઈપીએલની 14મી સિઝનની 30મી મેચમાં સોમવારે અમદાવાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) નો સામનો કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સાથે થવાનો હતો. આ મેચ સાંજે 7.30 વાગે શરૂ થવાની હતી. ભારતીય ક્રિકેટ બોર્ડના સૂત્રએ પીટીઆઈને આ અંગે પુષ્ટિ કરી. આ મેચનું આયોજન હવે 30 મેના રોજ સમાપ્ત થનારી આ ટુર્નામેન્ટના કોઈ અન્ય દિવસે કરાશે.

કોરોનાકાળમાં બીસીસીઆઈએ મજબૂત બાયો બબલનો હવાલો આપ્યો હતો ત્યારબાદ અત્યાર સુધીમાં 29 મેચ સફળતાપૂર્વક આયોજિત થઈ. ચેન્નાઈ અને મુંબઈના તબક્કાની તમામ મેચો પૂરી થઈ. પરંતુ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સીઝનની 30મી મેચ હાલ રદ કરાઈ છે. આ મેચ રિશિડ્યૂલ કરવામાં આવશે.

24 કલાકમાં 3.68 લાખથી વધુ કેસ

અત્રે જણાવવાનું કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,68,147 લાખથી વધુ કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,99,25,604 પર પહોંચ્યો છે. જેમાંથી 16,29,3003 દર્દી રિકવર થયા છે. જો કે હજુ પણ દેશમાં 34,13,642 લોકો સારવાર હેઠળ છે. એક દિવસમાં 3,00,732 દર્દીઓ રિકવર થયા છે જ્યારે 3417 લોકોના કોરોનાથી મોત થયા છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 15,71,98,207 લોકોનું રસીકરણ કરાયું છે.