ભોપાલ-

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે સ્પષ્ટ કર્યું છે કે રાજયમાં હવે બીજીવખત લોકડાઉન લાગુ નહીં થાય. પણ, કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખતા સરકારે ૫ શહેરોમાં નાઈટ કર્ફ્યુ અને કેટલાંક પ્રતિબંધો લાગુ કરવાનો નિર્ણય લીધો છે. મધ્યપ્રદેશમાં ઈન્દોર, ભોપાલ, ગ્વાલિયર, રતલામ અને વિદિશામાં શનિવારે એટલે કે તારીખ ૨૧ નવેમ્બરથી દરરોજ રાત્રે ૧૦ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ રહેશે. રાજયમાં ધોરણ ૮ સુધીની શાળાને ૩૧ ડિસેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે કોરોના વાયરસના સંક્રમણના કેસો ઈન્દોર, ભોપાલ, ગ્વાલિયર, રતલામ અને વિદિશા શહેરોમાં વધુ છે. આ જિલ્લાઓમાં તારીખ ૨૧ નવેમ્બરથી આગામી આદેશ સુધી રાત્રે ૧૦ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે. આ દરમિયાન દુકાનો અને વ્યાવસાયિક સ્થળો બંધ રહેશે. ઈમરજન્સીની સ્થિતિમાં સામાન્ય નાગરિકને આ દરમિયાન અવર-જવર માટેની પરવાનગી મળશે. આ સિવાય જે શહેરોમાં કોરોના વાયરસના વધારે કેસ જોવા મળશે ત્યાં રાત્રિ કર્ફ્યુ લાગુ થઈ શકે છે. જેનો અધિકાર જિલ્લા મેજિસ્ટ્રેટની પાસે હશે. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની અવર-જવર કરતા ટ્રાન્સપોર્ટને રોકવામાં આવશે નહીં.