દિલ્હી-

દેશભરમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના ૪૮,૭૮૬ નવા દર્દી મળ્યા છે. આ બુધવારની સરખામણીએ ૬ ટકા વધારે છે, જ્યારે આ દરમિયાન ૧૦૦૫ દર્દીઓના મોત થયા. ભારતમાં છેલ્લા ૩ દિવસથી કોરોના કેસો વધી રહ્યા છે. બુધવારના ૪૫,૯૫૧ અને મંગળવારના દેશમાં કોરોનાના ૩૭,૫૬૬ નવા કેસ સામે આવ્યા હતા. ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા ૫,૨૩,૨૫૭ છે. અત્યારે દેશમાં કુલ કોરોના કેસની સરખામણીએ એક્ટિવ દર્દીઓની સંખ્યા ફક્ત ૧.૭૨ ટકા છે.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૬૧,૫૮૮ દર્દીઓ કોરોનાને માત આપીને ઠીક થયા છે. આ સતત ૪૯મો દિવસ છે જ્યારે સાજા થનારા દર્દીઓની સંખ્યા સંક્રમિતોની સરખામણીએ વધારે છે. સાજા થનારા દર્દીઓની સંખ્યા અત્યારે ૯૬.૯૭ ટકા છે. દેશમાં અત્યારે પોઝિટિવિટી રેટ ૨.૫૪ ટકા છે. ઉલ્લેખનીય છે કે કોઈપણ દેશમાં ૫ ટકાથી ઓછો પોઝિટિવિટી રેટ ઘણો સારો માનવામાં આવે છે. આ દરમિયાન અત્યાર સુધી દેશભરમાં ૩૩.૫૭ કરોડ લોકોને વેક્સિનના ડોઝ લગાવવામાં આવી ચુક્યા છે. જાે કે કેરળના આંકડા કંઇક અલગ જ બતાવી રહ્યા છે. અહીં છેલ્લા ૨ દિવસથી નવા કેસ ૧૩,૫૦૦થી વધારે આવી રહ્યા છે. દેશમાં અત્યારે ૧૦ રાજ્યોમાં સંપૂર્ણ લોકડાઉન જેવા પ્રતિબંધો છે.

આમાં પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, ઓરિસ્સા, કર્ણાટક, તમિલનાડુ, મિઝોરમ, ગોવા અને પુડ્ડુચેરી સામેલ છે. અહીં ગત લોકડાઉન જેવા જ સખ્ત પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. આ દરમિયાન તેલંગાણા સરકારે રાજ્યમાં ૨૦ જૂનથી લોકડાઉનને સંપૂર્ણ રીતે હટાવી દીધું છે. તેલંગાણા દેશમાં મહામારીની વચ્ચે પ્રતિબંધો સંપૂર્ણ રીતે હટાવનારું પહેલું રાજ્ય બન્યું છે. અહીં ૧ જુલાઈથી સ્કૂલો પણ ખુલી રહી છે.