દિલ્હી-

સમગ્ર દેશમાં કોરોના વાઇરસે માઝા મૂકી હોય એમ દિવસે-દિવસે એમાં વધારો થઈ રહ્યો હોય એમ અનલૉક-2.0ના ૧૩મા દિવસે ગઈ કાલે સૌથી વધુ ૨૮,૭૦૧ કેસ નોંધાયા હતા. એની સાથે કુલ આંકડો નવ લાખ પાસે પહોંચી ગયો છે.

 છેલ્લા ૨૪ કલાકના આંકડા વેબસાઇટ પર જાહેર કરાયા મુજબ ૨૯,૧૦૫ કેસ નવા નોંધાયા હતા અને આ જ ગાળામાં વધુ ૫૦૦ લોકોનાં મોત થયાં હતાં. મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૭૮૨૭ નવા કેસ બહાર આવ્યા હતા અને મોતની સંખ્યા ૧૭૩ થઈ છે. કેસ વધતાં કેટલાંક રાજ્યોમાં સંક્રમણને રોકવા આંશિક લૉકડાઉન લાદવાની ફરજ પડી છે, જ્યારે મહારાષ્ટ્ર વિધાનસભાના ૧૮ કર્મચારીઓ પૉઝિટિવ મળ્યા છે. આ સાથે જ ભારત દુનિયાભરમાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં રશિયાને પાછળ છોડીને ત્રીજા ક્રમાંક પર પહોંચી ગયો છે. 

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ ૨૯,૧૦૫ કોરોના પૉઝિટિવ કેસ મળ્યા છે, તો ૧૮,૧૩૯ દરદીઓ સાજા થયા છે. ૨૪ કલાકમાં ૫૦૦ સંક્રમિતોનાં મોત થયાં છે. ભારતમાં ધીમે-ધીમે કોરોનાની બીમારીમાંથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાઇરસનો રિકવરી રેટ ૬૩.૦૧ ટકા સુધી પહોંચી ગયો છે. રિકવરી રેટ જ અત્યારે તો એક સારા ન્યુઝ છે.