અમરેલી-

કોરોનાનો કહેર વધતા ગામડાઓ સ્વૈચ્છીક લોકડાઉન તરફ વળ્યા છે. કોરોનાના વધતા કહેરને પગલે વડિયાના દેવગામ ગ્રામ પંચાયત દ્વારા 16 એપ્રિલથી 25 એપ્રિલ સુધી આંશિક લોકડાઉનનો નિર્ણય કરાયો છે. વેપારીઓ દ્વારા સવારના 6 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી ધંધા રોજગાર શરૂ રાખવા નિર્ણય કરાયો છે. 1 વાગ્યા બાદ દુકાનો બંધ રાખવા નિર્ણય કરાયો છે.આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને માસ્ક પહેરવા નિયમો બનાવાયા છે. આ ઉપરાંત જાફરાબાદના ટીંબીમાં પણ ગામ લોકો અને વેપારીઓએ 18 એપ્રિલ સુધી સ્વૈચ્છીક બંધ પાળવા નિર્ણય કર્યો છે.રાજ્યમાં કોરોના વાયરસે ફરી હાહાકાર મચાવી દીધો છે. ગુજરાતમાં દરરોજ રેકોર્ડબ્રેક કેસો આવી રહ્યાં છે. કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે આ સંક્રમણથી બચવા લોકો સ્વૈચ્છિક લોકડાઉન કરી રહ્યાં છે. સુરત જિલ્લાના બારડોલીમાં સ્વૈચ્છિક લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. બારડોલી વ્યાપારી એસોસિયેશન તેમજ પોલીસ અને પ્રશાશન મળી નિર્ણય લીધો છે. તારીખ 13 થી 18 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. 5 દિવસ લોકોને ધંધા રોજગાર બંધ રાખવા અપીલ કરવામાં આવી છે. બારડોલી નગરે સ્વૈચ્છીક લોકડાઉનનું પાલન શરૂ કર્યું છે.