ગાંધીનગર-

ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમણની સંખ્યા 44 હજારની નજીક પહોંચી ગઈ છે. તો અત્યાર સુધી 2071 લોકોના મૃત્યુ પણ થયા છે. રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદ યોજી હતી. પત્રકારો સાથે વાત કરતા નીતિન પટેલે કહ્યુ કે, રાજ્ય સરકાર પ્રજાને સંક્રમણથી બચાવવા માટે સતત પ્રયત્ન કરી રહી છે. જે લોકો સંક્રમિત થાય તેને સારી સારવાર મળે તે દિશામાં કામગીરી કરી રહી છે. 

રાજ્યમાં કોરોનાને લઈને શરૂઆતમાં જે ગંભીર સ્થિતિ હતી તેમાંથી થોડી રાહત મળી છે. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, એક સમય એવો હતો, આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં મૃત્યુદરની નોંધ લેવામાં આવતી હતી. માર્ચ અને એપ્રિલ મહિનામાં સાડા છ ટકા મૃત્યુદર હતો જે આજે 1.5 ટકા પર આવી ગયો છે. રાજ્યમાં કોરોનાને કારણે દરરોજ 50 જેટલા નાગરિકોના દુખદ અવસાન થતા હતા. રાજ્ય સરકારે દવાઓ અને વ્યવસ્થા વધારીને મૃત્યુઆંકમાં ઘટાડો કર્યો છે. આજે આ સંખ્યા 15 પર પહોંચી ગઈ છે.

નીતિન પટેલે જણાવ્યું કે શરૂઆતમાં રિકવરી રેટ શરૂઆતના દિવસોમાં 30 ટકા હતો. પહેલાં રિકવરી રેટ વધીને રાજ્યનો રિકવરી રેટ 70 થયો છે. દરરોજ 1.25 લાખ લોકોને 925થી વધુ ધનવંતરી રથથી ચકાસીને ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યારસુધીમાં 30550 કરતાં વધુ દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે.

નીતિન પટેલે કહ્યુ કે, માર્ચ મહિનામાં રાજ્યમાં પ્રથમ કેસ મળ્યો હતો તે સમયધથી શરૂ કરીને આજે 17મું સપ્તાહ ચાલી રહ્યું છે. આ દરમિયાન લૉકડાઉન અને અનલોક પણ આવી ગયું છે. તો ગરમી બાદ ચોમાસુ પણ શરૂ થઈ ચુક્યું છે. સરકાર ગરમી અને હવે વરસાદ વચ્ચે પણ કોરોના વાયરસના કેસ ઘટાડવા માટે પ્રયત્ન કરી રહી છે. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને દરરોજ હાઈ પાવર કમિટિની બેઠક પણ મળે છે. કોર ગ્રુપની પણ બેઠક કરવામાં આવે છે અને જરૂર પડે તો જુદા-જુદા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારી સાથે વીડિયો કોન્ફરન્સ કરી કામગીરીની સમીક્ષા કરવામાં આવે છે. કોરોનાને કેસને લઈને ત્યારે પણ ચિંતિત હતા અને આજે પણ ચિંતિત છીએ.