વેરાવળ-

કોરોના કાળની વિપરીત અસરથી માછીમાર ઉઘોગને મોટો ફટકો પડ્યો હોવાથી માછીમારો બેહાલ બની ગયા છે. માછીમારોના એક્ષપોર્ટ કંપનીઓ પાસે ૭૦૦ કરોડની રકમ ફસાઇ છે, તો ફીશ એક્ષપોર્ટરોની વિદેશમાં નિકાસ કરેલા ફીશના માલની રૂ.૧ હજાર કરોડની રકમ ફસાઇ હોવાથી માછીમારોને માલનું ચુકવણું સમયસર કરી શકતા નથી. આ પરિસ્થિતિના કારણે ચાલુ સીઝનમાં તીવ્ર આર્થિક સંકળામણનો સામનો કરી રહેલા માછીમારો માછીમારી કરી શકે તેમ ન હોવાથી રાજ્યની મોટાભાગની ફીશિંગ બોટો ઠપ્પ થવાની સ્થિતિ ઉદભવી છે.

માછીમારોના આવા અનેક પ્રશ્નો અંગે વિચાર વિમર્શ કરવા આજે વેરાવળમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તથા દિવ-દમણના ૧૬થી વઘુ બંદરોના માછીમારો આગેવાનો, ફીશ એક્ષપોર્ટર એસો.ના જગદીશભાઇ ફોફંડી, લખમભાઇ ભેંસલા, ઇકબાલ મોઠીયા સહિતના પ્રતિનિઘિઓની ચિંતન બેઠક મળી હતી. વેરાવળ જીઆઇડીસીના હોલમાં જીએફસીસીએના ચેરમેન વેલજીભાઇ મસાણી, બોટ એસો.ના પ્રમુખ તુલસીભાઇ ગોહેલના અઘ્યક્ષસ્થાને પ્રથમ બેઠક ગુજરાત-દિવ માછીમારના આગેવાનો સાથે મળી હતી. જેમાં કોરોનાના લોકડાઉન અને વાવાઝોડાની વિપરીત અસરોને કારણે માછીમાર ઉદ્યોગને મોટો ફટકો પડ્યા બાદ ઉદભવેલ પરિસ્થિતિ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી.

જે અંગે બોટ એસો.ના તુલસીભાઇએ જણાવ્યું હતું કે, છેલ્લી બે સીઝનમાં વારંવાર આવતા વાવાઝોડાના કારણે તથા ગત વર્ષે માર્ચમાં આવેલા કોરનાના કારણે માછીમારી સીઝન વહેલી બંઘ કરવી પડી હોવાથી માછીમારો આર્થીક સંક્રામણનો સામનો કરી રહ્યા હોવાથી સરકાર પાસે મદદની ગુહાર લગાવેલ જે સંતોષાયેલ ન હતી. ૨૫ હજારો બોટોને લાંગરી માછીમારી બંઘ કરવાની ફરજ પડશે ચાલુ વર્ષે સીઝનની શરૂઆતમાં જ ડીઝલના વઘેલા અસહય ભાવોથી માછીમારી કરવા જવા પાછળ થતા ખર્ચામાં ખાસો વઘારો થયો છે.