સુરત : વડોદરાની ૧૫ વર્ષીય તરૂણીનું અપહરણ કરી સુરત શહેરના વેસુ - વીઆઇપી અને કેનાલ રોડના સ્પામાં વેશ્યાવૃતિમાં ધકેલી દેનાર કોરોનાગ્રસ્ત આરોપી કોવિડ હોસ્પિટલમાંથી ફરાર થઈ જતા પોલીસ દોડતી થઈ ગઈ છે. આજે સવારે ૭ વાગ્યે આઈસોલેશન વોર્ડમાંથી પોલીસને હાથ તાળી આપી ફરાર થઈ ગયો હતો. જેથી સવારે ૯ વાગ્યે સી.એમ.ઓ. એ ખટોદરા પોલીસ સ્ટેશનના સિવિલ ચોકીના કોન્સ્ટેબલને જાણ કરી હતી. ઉમરા પોલીસને જાણ કરાયા બાદ શોધખોળ હાથ ધરી છે.વેસુ વીઆઇપી રોડ અને કેનાલ રોડ પર ચાલતા ૭ સ્પા કે જેમાં સેક્સરેકેટ ચાલતું હોવાનો એક સગીરાએ પર્દાફાશ કર્યો હતો. મુસ્કાન નામની મહિલાએ સગીરાને વડોદરાથી ફરવાના બહાને લઈ આવી દેહવ્યાપારના ધંધા માટે સ્પામાં ધકેલી દીધી હતી. ૨૦ દિવસ પછી સગીરા કંટાળી સ્પામાંથી ભાગી નીકળી હતી. એક જાગૃત મહિલા સગીરાની મદદ માટે દોડી આવી હતી. ૧૮૧ મહિલા હેલ્પલાઇને સગીરાને ઉમરા પોલીસ સ્ટેશને લઈ આવી હતી. દરમિયાન મુસ્કાન શેખ અને ૪ સ્પાની મહિલા સંચાલક સહિત ૧૩ જણાની ધરપકડ કરાઈ હતી. જ્યારે ગત રોજ મુખ્ય આરોપી પ્રમોદ રામગોપાલ શર્માને એસઓજીએ ઝડપી પાડ્યો હતો. પાંડેસરા ઉમીયાનગરમાં રહેતો આરોપી પ્રમોદની ધરપકડ કરી કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. જેમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી બપોરે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે આવેલી કોવિડ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ કર્યો હતો. દરમિયાન સવારે ૭ વાગ્યે આઈસોલેશન વોર્ડમાંથી પોલીસને હાથ તાળી આપી ફરાર થઈ ગયો હતો.