વડોદરા -

વડોદરા મહાનગર પાલિકા દ્વારા તાજેતરમાં ગાંધીનગર ગૃહ ખાતે ૭૨૦ દિવસ પૂર્ણ કરેલ હોય એવા સફાઈ કર્મચારીઓને રોજંદારીમાં પરિવર્તિત કરવા બાબતે લેવાયેલા ર્નિણયના હુકમપત્રો અપાયા હતા. પરંતુ જેઓએ આર્થિક વ્યવ્હાર કર્યો હોય એવા જ સફાઈ કર્મચારીઓને હુકમપત્રો આપવામાં આવ્યા છે. જ્યારે જે કર્મચારીઓ આર્થિક વ્યવહાર કરી શક્યા નથી. તેઓના હાજરીના રેકોર્ડ વોર્ડ ઓફિસો દ્વારા ગુમ કરી દેવામાં આવ્યા છે કે પછીથી જુના રેકોર્ડનો નાશ કરી દેવામાં આવ્યો છે એમ રોકડું પરખાવી દેવામાં આવ્યું હતું. જેને લઈને એમની હાજરીની નોંધના રેકોર્ડના અભાવે ૧૦-૧૦ વર્ષ સુધી સફાઈ સેવક તરીકે નોકરી કરનાર કેટલાય કર્મચારીઓ આ રોજંદારીના હુકમપત્રોથી વંચિત રહી ગયા છે.  

આ બાબતે પાલિકાના વિપક્ષી નેતાએ આવા વંચિત રહી ગયેલા ૫૦ જેટલા કર્મચારીઓની યાદી પાલિકા કમિશ્નરને સુપ્રત કરીને તપાસ કરવાની માગ કરી છે. તેમજ આ ગેરરીતિ તાકીદે સુધારવા જણાવ્યું છે. તેઓએ સમગ્ર સફાઈ સેવકોની ભરતીના કૌભાંડનો પર્દાફાશ કરતા જણાવ્યું હતું કે, ગત ફેબ્રુઆરી ૨૦૨૦માં લોકડાઉન પહેલા માનવ દિન અને કરાર આધારિત સફાઈ સેવકો દ્વારા પાલિકાના ગેટની અંદર ત્રણ ત્રણ દિવસ સુધી ધરણા કરવામાં આવ્યા હતા. ત્યારે કરાર કરીને જે સફાઈ કામદારોએ ૭૨૦ માનવદિન કામગીરી કરી હોય તેઓને રોજંદારીમાં સમાવવામાં આવશે એવી ખાતરી અપાઈ હતી. જે એગ્રીમેન્ટના આધારે ૨૩ સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ગૃહ ખાતે ૭૨૦ દિવસ પૂર્ણ કરનાર સફાઈ કર્મચારીઓને હુકમપત્રો આપવામાં આવ્યા હતા.

પરંતુ આને કારણે કેટલાય ૭૨૦ દિવસ પૂર્ણ કરનાર, પરંતુ વ્યવહાર ન કરી શકનાર સફાઈ કર્મચારીઓ આ હુકમપત્રોથી વંચિત રહ્યા હતા. જેઓએ દશ દશ વર્ષ સુધી નોકરી કરેલ છે. તેઓ પૈકી એક કર્મચારીની પ્રથમ માત્ર ૯૦ દિવસ હાજરી દર્શાવાઈ હતી.

એ પછીથી રજૂઆતો બાદ ૨૦૧૪માં ૬૦ દિવસની હાજરી બતાવાઈ હતી. જ્યારે ૨૦૧૫ થી ૨૦૧૯ સુધીની હાજરીનો રેકોર્ડ જ ઉડાવી દેવામાં આવ્યો હતો. આજ પ્રમાણેની સ્થિતિ શહેરના પાલિકા હસ્તકના તમામ વોર્ડમાં સર્જાવા પામી છે. જે જોતાં મોટા પ્રમાણમાં ઘાલમેલ થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ સમગ્ર બાબતની વિજિલન્સ તપાસ કરાવવાની માગણી કરી છે.

એની સાથોસાથ જેઓને નિમણૂકમાં અન્યાય થયેલ છે. તેઓને ન્યાય આપવા બાબતે અને જેઓએ અન્યાય કરીને ખોટું કર્યું છે. તેઓ સામે પગલાં ભરવાની માગ કરી છે. આ ભરતીના માટે ૭૨૦ દિવસની હાજરી બતાવવા માટે મોટા પ્રમાણમાં લેવડદેવડ કરીને ઘાલમેલ કરાયાના આક્ષેપો કરાયા છે. કેટલાકને હાજરી હોવા છતાં આપવામાં આવી નથી એવી પણ ફરિયાદો ઉઠી છે. ત્યારે પાલિકા કમિશ્નર સમક્ષ તમામ વોર્ડ ઓફિસના અધિકારીઓને જેઓને અન્યાય થયો છે, એવા તમામ કર્મચારીઓની હાજરી કાઢી આપવામાં આવે એવી માગ કરાઈ છે.