વડોદરા : વડોદરા મહાનગર પાલિકાની સ્થાયી સમિતિની મળેલી ઓનલાઇન મિટિંગમાં સુચનાપાત્ર પરના તમામે તમામ ૧૩ કામોને મંજૂરી આપી દેવામાં આવી છે. જેમાં બહુ ચર્ચિત અને બહુ ગાજેલા પતરાકાંડના કામનો પણ સમાવેશ થાય છે. આ મિટિંગમાં તમામ પ્રકારના વિરોધ અને બીલોની મંજૂરી આપતા પહેલા એની પુનઃ વિચારણા કરવાની માગણી ઐસીતૈસી કરીને બહુમતીના જોરે ભાજપના શાસકોએ પતરા કૌભાંડના બિલોને મંજૂરી આપી દીધી હતી. જેને લઈને ત્રણ ઘણા ભાવે પતરાની ખરીદીને સ્થાયી સમિતિએ મંજૂરી આપી ભ્રષ્ટાચારને લીલી ઝંડી આપી હોવાના આક્ષેપો શાસક પક્ષ સામે થઇ રહયા છે. આ બિલોને મંજૂરી અપાતા શાસક ભાજપના ચાવવાના અને બતાવવાના દાત જુદા જુદા હોવાના આક્ષેપોનો મારો ચાલ્યો છે. આને કારણે શાસક પક્ષ વધુ એકવાર કામોની મંજૂરીને લઈને વિવાદમાં આવી ગયો છે. શહેરના પૂર્વ ઝોનના કાર્યપાલક ઇજનેરની કચેરીમાંથી મુકાયેલ અંદાજે રૂપિયા ૩૬ લાખના ત્રણ બીલો અને પશ્ચિમ ઝોનની કચેરીના કાર્યપાલક ઇજનેરની કચેરીમાંથી પંદર લાખના પતરાની ખરીદીના બિલને મંજુર કરી દેવામાં આવ્યા છે. કોવિદ -૧૯ અંતર્ગત આ પતરાઓની ખરીદી પશ્ચિમ ઝોનના વોર્ડ નંબર ૬,૧૦ અને ૧૧ને માટે કરવામાં આવી હતી. જ્યારે પૂર્વ ઝોનમાં વોર્ડ નંબર -૧, ૨ અને ૯ ને માટે પતરાની ખરીદી કરવામાં આવી હતી. એને લાગતા બિલોને મંજૂરી આપી દેવામાં આવી છે. આ તમામ પતરાઓની ખરીદી ખાતાના અંદાજ કરતા ૯૭ % વધુ ચૂકવીને કરવામાં આવી હતી. જેને લઈને એની સામે ભારે ઉહાપોહ મચી જવા પામ્યો છે. 

કલામ ૬૭/૩/સી હેઠળ સીધી ખરીદીમાં કૌભાંડોને મોકળું મેદાન : વિપક્ષ

વડોદરા મહાનગર પાલિકાના વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, ૬૭/૩/સી કલામ હેઠળ તાકીદની પરિસ્થિતિમાં કમિશ્નરે ટેન્ડરની પ્રક્રિયા કે સ્થાયી સમિતિની મંજૂરી વિના તાત્કાલિક કામ કરાવવું એવો છે. પરંતુ એના હેઠળ બેઠી ત્રણ ઘણા ભાવ આપવાની છુટ મળી જતી નથી. પતરા ખરીદીના કિસ્સામાં પણ ઇજારદારને બે થી ત્રણ ઘણા નાણાં ચુકવવામાં આવ્યા છે. કોરોનાની સ્થિતિમાં કોઈપણ વેપારીએ કોઈપણ વસ્તુઓને ઉંચા ભાવે વેચવી નહિ. એવી જાહેરાત કરવામાં આવી હતી. તેમ છતાં પતરા ખરીદીમાં કરોડો રૂપિયા વધુ ચૂકવીને કૌભાંડ કર્યાનો આક્ષેપ વિપક્ષી નેતાએ કર્યો હતો. તેઓએ આ બાબતે વિજિલન્સ તપાસની માગ કરી છે.