મહુધા : મહુધા ટીડીઓની કામગીરીને લઇ કોન્ટ્રેક્ટરો અને કેટલાંક સરપંચો દ્વારા ડીડીઓ અને કલેક્ટરને કરવામાં આવેલી રજૂઆતના પગલે ગાંધીનગરથી અધિક વિકાસ કમિશનર દ્વારા તાલુકા મથકે આવી રજૂઆતકર્તાઓને રૂબરૂ સાંભળવામાં આવ્યા હતા. 

મહુધા ટીડીઓ કાજલ આંબલિયા તાલુકા વિકાસ અધિકારી તરીકે મહુધાનો ચાર્જ સંભાળતાં કેટલાંક ભ્રષ્ટાચારીઓના પેટમાં તેલ રેડાયું હતું. તેઓ દ્વારા કોરોના મહામારીના લોકડાઉનના સમય દરમિયાન ધારાસભ્યની મદદથી તાલુકાના તમામ ગામોને સ્વચ્છ અને સેનિટાઇઝ કરવાની કામગીરી હાથ ધરી હતી. તેમજ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવતાં વિકાસના કામોને જાત તપાસ કર્યા બાદ બિલ લખવામાં આવી રહ્યાં હતાં. આ કામગીરી દરમિયાન મોટા ભાગના કામો ખાનગી જગ્યામાં અને હલકી ગુણત્તાવાળા કરવામાં આવતાં હોવાનું સામે આવ્યું હતું. તેમજ સ્થાનિકોની રજૂઆતના પગલે અગાઉ થયેલાં કામોની તપાસ હાથ ધરતાં રાજકીય મળતિયાઓના ભ્રષ્ટાચારના પોપડા બહાર આવી રહ્યાં હતાં, જેનાં પગલે કેટલાંક સરપંચો અને રાજકીય મળતિયાઓના પેટમાં તેલ રેડાયું હતું. આખરે તાલુકા વિકાસ અધિકારીની કામગીરીને લઇ કોન્ટ્રેક્ટરો સહિત કેટલાંક સરપંચો દ્વારા ડીડીઓ અને કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યંુ હતું. જેને લઇ અધિક વિકાસ કમિશનર અને ડેપ્યૂટી ડીડીઓ દ્વારા મહુધા તાલુકા પંચાયત કચેરી ખાતે રજૂઆતકર્તાઓને રૂબરૂ સાંભળવામાં આવ્યા હતા.

રજૂઆતકર્તાઓમાં મોટા ભાગના જિલ્લા અને તાલુકા ડેલીગેટ તેમજ સરપંચોની જગ્યાએ વહિવટ કરતાં તેઓના સંતાનો અને પતિએ હાજરી આપી હતી. અધિક વિકાસ કમિશનરની મુલાકાત દરમિયાન સામાજીક કાર્યકરો તેમજ તાલુકાના નાગરિકો સહિત આગેવાનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીની કામગીરીની સરાહના પણ કરવામાં આવી હતી.

છાત્રાલય, એલઇડી અને બાકડામાં થયેલાં ભ્રષ્ટાચારની પણ તપાસ થવી જાેઇએ ઃ રજૂઆતકર્તા

ચુણેલના ડેપ્યૂટી સરપંચ વિક્રમ રાઉલજીએ રજૂઆત કરી હતી કે, રાજકીય ઇશારે ચુણેલમાં થયેલાં વાંસ પ્રોજેક્ટની તપાસ કરવામાં આવી હતી. યેનકેન પ્રકારે મનરેગા અને વિકાસના કામોમાં થયેલી ગેરેરીતિ અંગે ડેપ્યૂટી સરપંચ તરીકે મારી સંડોવણી દર્શાવી હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યો હતો. ત્યારે ધારાસભ્યની ગ્રાંટમાંથી એલઇડી અને બાકડા તેમજ તેઓના છાત્રાલય બનાવવામાં થયેલી ગેરેરીતિની પણ તપાસની માગ કરી હતી.

પાટીદારોને જ હેરાન કરવામાં આવી રહ્યાં છે ઃ રજૂઆતકર્તા

રજૂઆત કરવા આવેલાં અલીણાના સરપંચ ભાવેશ પટેલે રાજકીય ઈશારે કરવામાં આવતી કિન્નાખોરી અંગે રજૂઆત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, અહીં પાટીદારોને જ હેરાન કરવામાં આવી રહ્યાં છે. ધારાસભ્યના ઇશારે જ અમારી ઉપર બધા કામ થઈ રહ્યાં હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા.

રાજકીય મળતિયાઓ અને ભ્રષ્ટાચારીઓ દ્વારા કરાતી ગેરરીતિ સદંતર અટકી ગઇ

આ સમયે હાજર રહેલાં સામાજિક કાર્યકરોએ જણાવ્યું હતું કે, મહિલા ટીડીઓના મહુધા આગમન બાદ રાજકીય મળતિયાઓ અને ભ્રષ્ટાચારીઓ દ્વારા કરવામાં આવતી ગેરરીતિ સદંતર અટકી ગઇ છે. તેમજ તાલુકાના ગામોમાં જરૂરિયાતમંદ્દો સુધી સરકારી લાભો પહોંચાડવામાં આવી રહ્યાં હોવાની રજૂઆત કરી હતી. જ્યારે વિકાસના કામોની રજૂઆતને પગલે અધિક વિકાસ કમિશનર દ્વારા રેકર્ડ ચકાસણી હાથ ધરવામાં આવી હતી.