લોકસત્તા વિશેષ : વડોદરા મ્યુનસિપલ કોર્પોરેશનમાં સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ આજે અધિકારીઓ સાથેની પ્રથમ બેઠકમાં જ મેયર કેયુર રોકડીયાએ ભ્રષ્ટાચાર પર લગામ કસવાની વાત કરી હતી. કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર બિલકુલ નહીં ચલાવાય અને તેને રોકવાની તેમજ ચૂંટાયેલી પાંખ સમક્ષ રજુ કરવાની જવાબદારી ક્લાસ ૧ અધિકારીઓની હોવાની વાત કરી હતી. આ સમયે તેઓએ સ્પષ્ટ વાત કરી હતી કે ભલામણ હશે તો હાથી જવા દેવાશે પરંતુ ભ્રષ્ટાચારમાં કીડી પણ નહીં જવા દેવાય.

કોર્પોરેશનમાં સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ આજે અધિકારીઓ સાથેની પ્રથમ પરિચય બેઠકમા મેયર કેયુર રોકડીયા, ડે. મેયર નંદા જાેશી અને સ્થાયી સમિતિ અઘ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલ સહિત કમિશનર પી. સ્વરૂપ સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તમામ અધિકારીઓએ તેમનો પરિચય આપી કઈ કામગીરી કરવામાં આવે છે તે અંગે માહિતી આપી હતી.

અધિકારીઓ સાથેની પ્રથમ બેઠકમાં જ મેયર કેયુર રોકડીયાએ પોતાના ઇરાદા સ્પષ્ટ કરી દીધા હતા. જેમાં કોર્પોરેશનના કામોમાં ચાલતા વ્યાપક ભ્રષ્ટાચાર પર લગામ કસવાની વાત કરી હતી. તેઓએ સ્પષ્ટ જણાવ્યું હતું કે કોઈની ભલામણ હશે તો હાથી જવા દેવામાં આવશે પરંતુ ભ્રષ્ટાચાર હશે તો કીડી પણ નહીં જવા દેવાય. આ ઉપરાંત તેઓએ અધિકારીઓને પણ તાકીદ કરી હતી કે ભ્રષ્ટાચાર રોકવાની પ્રથમ જવાબદારી તેઓની છે. ખાસકરીને ક્લાસ ૧ અધિકારીઓએ વિશેષ કાળજી રાખવી જાેઈએ.

- તો અધિકારી કામ નહીં કરું તેમ કહી શકશે

સામાન્ય રીતે ચૂંટાયેલી પાંખ દ્વારા કરવામાં આવતી ભલામણ બાદ કોર્પોરેશન માં અધિકારીઓએ સાચું કે ખોટું કામ કરવુ પડતું હોય છે. પરંતુ મેયર કેયુર રોકડીયાએ આજે અધિકારીઓને સ્પષ્ટ જણાવ્યું હતું કે જાે કોઈ કામમાં ભ્રષ્ટાચાર જણાય તો તેઓ સીધા તેમનો સંપર્ક કરી આ કામ નહીં કરે તેમ કહી શકશે.

સ્થાયી સમિતિના સભ્યોની બેઠક મનુભાઈ ટાવરમાં યોજાઈ!

વડોદરા : વડોદરા મહાનગર પાલિકાના ખંડેરાવ માર્કેટ સ્થિત મુખ્યાલય ખાતે એક તરફ મેયર કેયુર રોકડીયા,ડેપ્યુટી મેયર નંદા જાેશી અને સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલ અધિકારીઓ સાથે સૌ પ્રથમ બેઠકક રજાના દિવસે કરી રહયા હતા.ત્યારે બીજી તરફ ભાજપના શહેર મુખ્યાલય મનુભાઈ ટાવર ખાતે આટલા વર્ષોના ઇતિહાસમાં સૌ પ્રથમવાર પાલિકાની સ્થાયી સમિતિના સભ્યોને બોલાવીને ભાજપ કાર્યાલયથી પાલિકાનો સમાન વહીવટ ચલાવવાનો સંગઠન દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો. આમ એક તરફ પાલિકા કચેરી ખાતે અધિકારીઓની પરિચય બેઠક ચાલી રહી હતી.ત્યારે બીજી તરફ સ્થાયીના સભ્યોની બીજેપી સંગઠન દ્વારા સમાંતર બેઠક ચલાવવામાં આવી રહી હતી.

આ સ્થાયીના સભ્યોની બેઠકમાં વડોદરા શહેરના સર્વાંગી અને સમતોલન વિકાસની ચર્ચાના બદલે રચેલી આંકડાની માયાજાળની માહિતી આપવાનો પ્રયાસ કરાયો હતો. જેમાં ખાસ કરીને નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના બજેટની પુસ્તિકા બતાવીને સ્થાયીના સભ્યોને વાસ્તવિકતાથી વિપરીત બાબતો સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ જુના બજેટના આધારે સ્થાયીના નવા સભ્યોની આંખોમાં ધૂળ નાખવાનો પ્રયાસ બજેટ પ્રક્રિયા અંગેની વાતચીત કરવા દરમ્યાન કરાયાનું ચર્ચાઈ રહ્યું છે. પરંતુ કોર્પોરેશનના બજેટને લગતી કે પ્રજાજનો -શહેરીજનોની કોઈપણ પ્રકારની ચિંતા એમાં કરવામાં આવી હોય એવી કોઈ વાતચીતનો લગીરે છાટો એમાં જાેવા મળ્યો નહોતો. શાસકોને કરવાની ચિંતા સંગઠને કરીને પાલિકાના શાસનમાં ચંચૂપાતનો આરંભ થતા સ્થાનિક નેતાઓમાં આ સમગ્ર બાબત ચર્ચાનો વિષય બની રહેવા પામી હતી.

અત્રે એ બાબત ઉલ્લેખનીય છે કે હાલના વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડો.વિજય શાહ અગાઉ ભૂતકાળમાં વડોદરા મહાનગર પાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ રહી ચુક્યા છે. જયારે હાલના શહેર ભાજપના ત્રણ મહામંત્રીઓ પૈકીના એક સુનિલ સોલંકી અગાઉ વડોદરા પાલિકામાં મેયરપદે રહી ચુક્યા છે. આ બંને શહેર ભાજપના અગ્રણીઓ બહુજ સારી રીતે એ વાતથી વાકેફ છે કે અગાઉ પાલિકાના વહીવટમાં કેટલા પ્રમાણમાં ચંચુપાત રહેતી હતી. તેમ છતાં આ બંને નેતાઓએ વડોદરા મહાનગર પાલિકાનો કરોડોનો વહીવટ હસ્તગત કરવાને માટે સંગઠન મેદાનમાં આવ્યાનું ચર્ચાઈ રહ્યું છે.ત્યારે એના ભાગરૂપે ભાજપ કાર્યાલય ખાતે સોમવારે સ્થાયીમા પાલિકાના કમિશનર બજેટ રજુ કરે એ પહેલા સ્થાયીના સભ્યોની સંગઠન દ્વારા બોલાવવામાં આવેલી બેઠક ચર્ચાના વિષયની સાથોસાથ વિવાદનો વિષય પણ બનવા પામી છે.