દિલ્હી-

કોરોના મહામારી વચ્ચે આ વખતે ચાલુ સીઝનમાં કોટનનું ઉત્પાદન 360 લાખ ગાંસડી રહેવાની સંભાવના કમિટી ઓન કોટન પ્રોડક્શન એન્ડ કન્ઝમ્પશનએ વ્યક્ત કરી છે. પહેલા આ અનુમાન 371 લાખ ગાંસડી હતું. દેશમાં કોટનની આયાત 11 લાખ ગાંસડી સ્થિર રહેવાની શક્યતા છે જ્યારે નિકાસ અંદાજીત 75 લાખ ગાંસડીથી ઘટીને 70 લાખ રહી શકે છે. કમેટીનું કહેવુ છે કે, સીઝન વર્ષ 2020-21માં કોટનની વપરાશ કોવિડ લહેરના લીધે ઘટીને 303 લાખ ગાંસડી રહેવાનો અનુમાન છે જે પહેલા 330 લાખ ગાંસડી રહેવાની સંભાવના હતી.

કેન્દ્ર સરકારની કોટન પાક અનુમાનની આ સમિતિએ કહ્યુ કે કોરોના કહેર અને અનેક રાજ્યોમાં લોકડાઉનના લીધે કોટનની વપરાશમાં આઠ ટકાથી વધારે ઘટાડો આવવાની સંભાવના છે. આ કમિટીએ સીઝન 2020-21માં કોટનની વપરાશ 330 લાખ ગાંસડીથી ઘટીને 303 લાખ ગાંસડી અંદાજી છે. કમિટીએ ચાલુ સીઝનના અંતમાં કોટનનો અંતિમ સ્ટોક 118.79 લાખ ગાંસડી રહેવાનો અંદાજ મુક્યો છે જે પહેલા 98.79 લાખ ગાંસડી દાજ્યો હતો. કમિટીના મતાનુસાર ઓક્ટોબર 2020થી શરૂ થયેલ કોટન સીઝનમાં ઓપનિંગ સ્ટોક 120.79 લાખ ગાંસડીનો રહ્યો જ્યારે કૂલ કોટન સપ્લાય 491.79લાખ ગાંસડી રહી જેમાં 360 લાખ ગાંસડી ઉત્પાદન અને 11 લાખ ગાંસડી આયાત શામેલ છે. કોટનની કૂલ માંગ 373 લાખ ગાંસડી રહેવાની સંભાવના છે જેમાં 303 લાખ ગાંસડી ઘરેલુ વપરાશ અને 70 લાખ ગાંસડી નિકાસ શામેલ છે.