અમદાવાદ, મહામારીમાં રેમડેસિવીરના ઈન્જેક્શન માટે લોકો લાંબી લાઈનોમાં ઉભા રહે છે અલગ અલગ જગ્યાએ ધક્કા ખાઈ રહ્યા છે બીજી બાજુ કાળા બજારમાં પણ લોકો રૂપિયા ખર્ચીને ઈન્જેક્શનો મેળવી રહ્યા છે. થોડા દિવસો પહેલા ક્રાઈમ બ્રાંચે આવા કાળા બજારીયોને ઝડપી ઈન્જેક્શનનો જથ્થો જપ્ત કર્યો હતો. ત્યારે બીજી બાજુ સરકારી વકીલે આવા જપ્ત કરેલા ઈન્જેક્શન યોગ્ય ઓથોરિટીને સોંપવા માટે કોર્ટમાં અરજી કરી હતી. જેમાં આરોપીઓએ પણ માનવતા દાખવી કોઈ વાંધો ઉઠાવ્યો ન હતો. જેથી કોર્ટે પોલીસે કબજે કરેલા ઈન્જેક્શન સિવિલ સુપ્રિટેન્ડેન્ટને સોંપવા તથા જરૂરીયાતમંદને ઈન્જેક્શન ધારા ધોરણ મુજબ આપવાનો આદેશ એડિશનલ ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ એમ.જે.ખોજ્જાદાએ કર્યો છે. સરકારી વકીલ વાય.કે.વ્યાસે મુદ્દામાલ તરીકે લીધેલા ૩૫ અથવા વધુ રેમડેસિવીર ઇન્જેક્શન અધિકૃત્ત વ્યક્તિને સોંપવા માટે અરજી કરી હતી. જેમાં સરકારી વકીલે એવી રજૂઆત કરી હતી કે, ભારતમાં કોરોના મહામારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. દરરોજ લાખોની સંખ્યામાં લોકો સંક્રમીત થઇ રહ્યા છે. દર્દીઓને બેડ મળવામાં ફણ મુશ્કેલી થઇ રહી છે. કોરોનાગ્રસ્ત દર્દીઓમાં ઓક્સિજન ઓછુ હોય તેમને રેમડેસિવીર ઇન્જેક્શનની જરૂર હોય છે અને તબીબો તેની ભમલાણ પણ કરે છે. ડિસે. ૨૦૨૦થી ફેબ્રુ.૨૦૨૧ દરમિયાન આ ઇન્જેક્શનની માંગ ઓછી હોવાથી કંપનીએ ઉત્પાદન ઘટાડી દીધુ હતુ. અત્યારે કોરોના વકર્યો છે ત્યારે ઇન્જેક્શનની વધુ જરૂર ઉભી થઇ છે. પોલીસે કબજે કરેલ ઇન્જેક્શની એક્સપાયરી ડેટ ૧૧-૨૦૨૧ છે આમ તે પેરીસીબલ આઇટમ છે. આ ઇન્જેક્શન પોલીસના મુદ્દામાલમાં પડ્યા રહે તો તેનો નાશ થઇ જશે. બજારમાં ઇન્જેક્શનની અછત છે ત્યારે સરકારી હોસ્પિટલમાં અધિકૃત વ્યક્તિને ઇન્જેક્શન સોંપવામાં આવે તો તે કેટલાક દર્દીઓ માટે નવજીવન લાવી શકે છે. તેથી મુદ્દામાલ યોગ્ય અધિકારીને સોંપવો જાેઇએ.

બીજી તરફ આરોપીઓને આ અંગે નોટિસ ઇશ્યૂ કરતા તેમના તરફે એડવોકેટ કોર્ટમાં હાજર રહ્યાં હતાં. તેમણે લેખીતમાં એવી રજૂઆત કરી હતી કે, સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શન જમા કરવામાં આવે તો ભવિષ્યમાં મુદ્દામાલ ઇન્જેક્શન સબંધે કોઇ ક્લેઇમ કે તકરાર લેશે નહીં. આવી રજૂઆત બાદ કોર્ટે જપ્ત કરેલ ઇન્જેક્શન સિવિલ સુપ્રિટેન્ડેન્ટને આપવા આદેશ કર્યો છે.