સુરત,  અખબાર સાથે ભુતકાળમાં સંકળાયેલો હતો એટલે જ કહું છું કે, સોશિયલ મીડિયાનો ગમે તેટલો વાવર હોય પરંતુ અખબારો પ્રત્યેનો લોકોનો વિશ્વાસ બરકરાર જ રહેશે, સોશિયલ મીડિયામાં વાયરલ થયેલાં સમાચારોની સત્યતા ચકાસવા માટે લોકો આખરે તો સવારે અખબારોનો જ સહારો લેતા હોય છે જે અખબારોનું મહત્વ દર્શાવે છે તેમ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે લોકસત્તા-જનસત્તાની સુરત આવૃત્તિનું લોકાર્પણ કરતાં જણાવ્યું હતું.

કોવિડ-૧૯ ગાઇડલાઇન્સને ધ્યાનમાં રાખીને ચેમ્બર ઓફ કોમર્સ ખાતે અત્યંત સાદગીપુર્ણ વાતાવરણમાં સાંસદ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે લોકસત્તા-જનસત્તાની સુરત આવૃત્તિનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પુરા ૭૦ વર્ષનો ભવ્ય ભુતકાળનો વારસો ધરાવતા લોકસત્તા-જનસત્તાની વડોદરા અને અમદાવાદ પછી સુરતની ત્રીજી આવૃત્તિની શરૂઆત કરનાર અખબારના સી.એમ.ડી. સંજય શાહે લોકોનાં હિતને પ્રાધાન્ય આપવાના અખબારી ધર્મને નીભાવવાનો કોલ આપ્યો હતો.

મેયર હેમાલી બોઘાવાલા, સાંસદ દર્શના જરદોશ, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો.કિશોરસિંહ ચાવડા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશ નાવડિયા, સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલ તેમજ શહેરના અગ્રગણ્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલા સમારોહમાં સી.આર.પાટીલે પોલીસ, પોલિટિશિયન અને પ્રેસ એમ ત્રણ પી નો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, પોલીસ અને પોલિટિશિયન તો શિસ્તના મામલે સહ્ય હોય છે પરંતુ પ્રેસને કોઇ પુછનાર નહીં હોવાથી બેફામ હોવાની ઇમેજને કારણે પત્રકારનો સામનો કરવો અસહ્ય બની રહે છે. પ્રેસ કોઇની શેહશરમ રાખતું નથી છતાં તેણે પોતાની વિશ્વસનીયતા જાળવી રાખી છે. તેમણે અખબાર શરૂ કરવાનો પોતાનો અનુભવ ટાંકીને જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયાના જમાનામાં સમાચારોની સત્યતા ચકાસવા માટે અખબારોનો સહારો લેવો પડે છે તે જ બતાવી આપે છે કે લોકોને આજે પણ અખબારોમાં એટલો જ વિશ્વાસ છે. સુરત આવૃત્તિ શરૂ કરવા બદલ લોકસત્તા-જનસત્તાને સી.આર.પાટીલે શુભેચ્છા આપતા વધુમાં ઉમેર્યું હતું કે, સુરત સહિત દક્ષિણ ગુજરાતના લોકો ઉત્સાહી, ઉદાર અને જાગૃત હોવાથી લોકસત્તા-જનસત્તા અખબારને તેઓ પ્રેમથી અપનાવી લેશે.

લોકસત્તા-જનસત્તા અખબારના સી.એમ.ડી. સંજય શાહે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૪માં બંધ થયેલાં લોકસત્તાની આવૃત્તિ લઇને ફરી સુરત આવી રહ્યાં છીએ ત્યારે લોકહિતની એક જ વાતને મહત્વ આપવું છે. અખબારને સફળતાપૂર્વક ચલાવવા માટે લોકોના ઉત્સાહનું પ્રેરકબળ જરૂરી હોય છે અને તેથી જ લોકો માટે, લોકોની સમસ્યાના ઉકેલ માટે લોકસત્તા-જનસત્તા પોતાનો અખબારી ધર્મ બજાવશે. આ તબક્કે સાંસદ દર્શના જરદોશનો ઉલ્લેખ કરતાં તેમણે બીજી હકારાત્મક વાત એમ પણ કરી હતી કે, લોકો માટે કરેલાં કામોની વાત રાજકારણીઓ પોતાની વાત લોકો સુધી પહોંચાડી શકતાં નથી ત્યારે રાજકારણીઓએ લોકહિતના કરેલા યજ્ઞની આહૂતિ લોકો સુધી પહોંચાડવામાં લોકસત્તા-જનસત્તા કોઇ કચાશ રાખશે નહીં. પોતાના વ્યસ્ત કાર્યક્રમો વચ્ચે પણ લોકાર્પણ માટે સમય ફાળવનાર સાંસદ સી.આર.પાટીલનો પણ સંજય શાહે ખાસ આભાર વ્યક્ત કર્યો હતો.

લોકસત્તા-જનસત્તાના ગ્રુપ એડિટર અનિલ દેવપુરકરે ગુજરાતી પત્રકારત્વને પહેલી જુલાઇએ ૨૦૦ વર્ષ પુરા થઇ રહ્યાં છે ત્યારે અખબારની ત્રીજી આવૃત્તિ શરૂ કરવાની આનંદ અને ગર્વ લાગણી અનુભવવા સાથે ગુજરાતી પત્રકારત્વમાં સયાજીવિજય સાપ્તાહિક સાથે સંયુક્તપણે ૧૨૯ વર્ષનું મહામુલું પ્રદાન આપનાર લોકસત્તા-જનસત્તાનો ઇતિહાસ વર્ણવીને લોકહિતને પ્રાધાન્ય આપવાની પરંપરા જાળવી રાખવાનો કોલ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો.મુકુલ ચોક્સીએ કર્યું હતું.