સુરત : મહાનગર પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીમાં આકરાં ક્રાઇટેરિયા અપનાવનાર ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલે વિધાનસભાની ચૂંટણી સંદર્ભે પણ સેલવાસ ખાતે આગેવાનો તેમજ કાર્યકરોને કડક શબ્દોમાં ચેતવણી આપતાં અકળાઇ ઉઠેલાં સુરતના પૂર્વ કોર્પોરેટરે સી.આર.પાટીલ વિરૂદ્ધ મોરચો ખોલતાં ભાજપમાં ભારે ચકચાર વ્યાપી ગઇ છે. સી.આર.પાટિલ જ ભારતીય જનતા પાર્ટી છે તેવું બતાવવાનું પ્રદેશ અધ્યક્ષે બંધ કરવું જાેઇએ કારણ કે, તેમનાં નિવેદનોથી ભાજપનાં સક્ષમ કાર્યકરોનું અપમાન થાય છે તેવો સીધો આક્ષેપ રાજુ અગ્રવાલે કર્યો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી વર્ષે યોજાવાની છે ત્યારે ભાજપ હાઇકમાન્ડે અત્યારથી જ તૈયારીઓ આદરી દીધી છે. પ્રદેશ અધ્યક્ષ સમગ્ર રાજ્યનો પ્રવાસ કરીને કાર્યકરો તેમજ આગેવાનોની રૂબરૂ મુલાકાત લઇને પરિસ્થિતિનું આકલન કરી રહ્યાં છે. સેલવાસ ખાતે સી.આર.પાટિલે એક જાહેર મિટિંગમાં ટીકિટ માટે દોડધામ કરનાર કાર્યકરો તેમજ અગ્રણીઓની આકરાં શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. નેતાઓને સ્ટેજ ઉપર નહીં બેસવાની પણ તેમણે સલાહ આપી હતી. સી.આર.પાટિલનાં કડક વલણનો વિરોધ કરતી પોસ્ટ સુરતનાં પૂર્વ કોર્પોરેટર રાજુ અગ્રવાલે ફેસબુક ઉપર આજે અપલોડ કરતાં તેનાં તીવ્ર પ્રત્યાઘાતો પડ્યાં છે. રાજુ અગ્રવાલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, સી.આર.પાટિલે પોતે જ ભારતીય જનતા પાર્ટી છે તેવું બતાવવાનું બંધ કરવું જાેઇએ. સી.આર.પાટિલ જેવી તંતબાજી અગાઉનાં કોઇ પ્રદેશ અધ્યક્ષે કરી નથી, સાડા છ કરોડ ગુજરાતીઓનું અપમાન કરવાનું સી.આર.પાટિલે બંધ કરવું જાેઇએ.

રાજુ અગ્રવાલે સી.આર.પાટિલ વિરૂદ્ધ ફેસબુક ઉપર અપલોડ કરેલી પોસ્ટથી ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. જાે કે, એક પણ ભાજપ નેતા આ બાબતે પોતાનો અભિપ્રાય આપવા રાજી નથી.

પક્ષ સી.આર.પાટીલનો નહીં પરંતુ કાર્યકરોનો છે ઃ રાજુ અગ્રવાલ

સક્ષમ અને મહેનત કરતાં કાર્યકરોને કારણે પક્ષ બને છે અને મજબુત થાય છે. ભારતીય જનતા પક્ષ સી.આર.પાટિલનો નહીં પરંતુ સક્ષમ કાર્યકરોનો પક્ષ છે. કાર્યકરો ફિલ્ડમાં મહેનત કરે છે ત્યારે જીત મળતી હોય છે પરંતુ જાહેરમાં વિવાદાસ્પદ નિવેદનો આપીને સી.આર.પાટિલ સક્ષમ કાર્યકરો ઉપરાંત સાડા છ કરોડ ગુજરાતીઓનું અપમાન કરી રહ્યાં છે. તેમનાં નિવેદનો ઉપરથી તો સ્પષ્ટ જણાય છે કે જે કાર્યકરો તેમની ચાપલુસી કરે તેને જ ટીકિટ મળે તેવો સીધો આક્ષેપ પૂર્વ કોર્પોરેટર રાજુ અગ્રવાલે કર્યો છે.