વડોદરા : સંપૂર્ણ બહુમતિની જાહોજલાલી સાથે એકહથ્થુ શાસનને કારણે મદાંધ બની પોતાને પ્રજાના સેવક નહીં, પરંતુ વડોદરાના માલિક માનવા માંડેલા અને છેલ્લાં રપ વર્ષ દરમિયાન વડોદરાની તિજાેરીનાં તળિયાં સુધ્ધાં ઝાપટી ગયાનો જેમના પર ગંભીર આરોપ છે એ ભાજપાએ પાલિકામાં એના છેલ્લાં પાંચ વર્ષના શાસનમાં તો ‘સ્માર્ટ સિટી’ જેવી ડંફાસો હાંકી ભ્રષ્ટાચારની તમામ મર્યાદાઓ ઓળંખી નાખી એવી પ્રજામાં પ્રવર્તતી સર્વસામાન્ય છાપ હાલ ચૂંટણીપ્રચાર દરમિયાન દેખાઈ રહી છે. પરંતુ હવે ભાજપા પોતાના જ ભારથી તૂટી પડે એવા સંજાેગો દેખાતાં મિશન-૭૬ને સફળ કરવા ભાજપાએ એડીચોટીનું જાેર લગાડયું છે.

ગત પાંચ વર્ષ દરમિયાન ‘ભાગબટાઈ’ વખતે પક્ષની શિસ્તના નામે સંમતિ આપવા ‘આંગળી ઊંચી’ કરવા જેવી વફાદારી બતાવવા છતાં અનેક કોર્પોરેટરનાં પત્તાં કપાયાં છે અને ભાજપા હવે પોતાની ભ્રષ્ટાચારી તરીકેની છાપ ભૂંસવાના નપુંસક પ્રયાસરૂપે નવા ચહેરાઓને મેદાનમાં લાવી છે. આ કારણે ટિકિટથી વંચિત રહેલા ભૂ.પૂ. કોર્પોરેટરો હવે પાછલે બારણે પોતાના વોર્ડમાં જ ભાજપાના ઉમેદવારોને હરાવવા સક્રિય થયાની બૂમો ઊઠી છે. એ જ રીતે, ટિકિટ મેળવીને મેદાનમાં ઉતરેલા ભાજપાની ૧૯ પૈકીની પ૦ ટકાથી વધુ પેનલોમાં અત્યારે જ તોડફોડ થઈ ગઈ છે અને તમામ ઉમેદવારો પોતાની પેનલના બીજા ત્રણ ભલે હારે, મને ચૂંટી લાવો એવું લોબિંગ કરતા હોવાની ફરિયાદો ઊઠવા લાગી છે. અલબત્ત, અત્યાર સુધી ભાજપા સાથે કુલડીમાં ગોળ ભાંગી ‘ભાગબટાઈ’ કરનારા કોંગ્રેસના સ્થાપિત નેતાઓએ આ વખતે પણ ભાજપાના મોવડીઓ સાથે સાંઠગાંઠ કરી પોતાની સામે ભાજપાના નબળા ઉમેદવારો ઊભા રખાવવામાં સફળતા મેળવી છે. આ કારણસર આ બેઠકો પર મજબૂત અને કોંગ્રેસના સ્થાપિત નેતાઓને ચૂંટણીમાં ટક્કર આપી શકે એવા ભાજપાના સક્ષમ દાવેદારોએ ટિકિટ મેળવવાને લાયક હોવા છતાં માત્ર સામાન્ય પ્રચારક બની રહેવું પડયું છે. આવા વોર્ડમાં પણ ભાજપામાં ભારે અસંતોષ છે. ટૂંકમાં ‘મિશન-૭૬’ને સફળ કરી કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો કરવાની ગુલબાંગો કોંગ્રેસના સ્થાપિત નેતાઓ સાથેની આ સાંઠગાંઠો સાથે જ પોકળ સાબિત થઈ ચૂકી છે. અનેક વોર્ડમાં ભાજપાની પેનલોના ઉમેદવારોમાં અંદરોઅંદર ફાટફૂટ પડી છે. એટલું જ નહીં, કેટલીક બેઠકો પર તો સામેની કોંગ્રેસની પેનલના ઉમેદવાર સાથે આંતરિક સમજૂતિથી કજાેડા જેવી અઘોષિત પેનલો બની ગઈ છે. આ તમામ સંજાેગો ઉપરાંત માત્ર ભ્રષ્ટાચારને કારણે પ્રાથમિક સુવિધાઓ સહિત વડોદરાને રાજ્યના અન્ય શહેરોની યાદીમાં છેલ્લા ક્રમાંકે ધકેલી દેનાર ભાજપા સામે પ્રજામાં પણ ભારે આક્રોશ છે. નરેન્દ્ર મોદી કે અમિત શાહની લોકપ્રિયતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉપયોગી નથી એવું જાણતી ભાજપા હવે મતદારોને વડોદરાને સોનાની દ્વારિકા બનાવવાના શેખચલ્લીના સ્વપ્નો બતાવી રહી છે. ગત ચૂંટણીમાં વડોદરાને ‘શાંઘાઈ’ બનાવવાનું વચન આપનાર ભાજપા છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન વડોદરાને ‘સૂરત’ સુધ્ધાં નથી બનાવી શકી એની શરમ ભાજપાને ભલે નહીં આવતી હોય, પરંતુ વડોદરાના સમજુ મતદારોને આ શહેરના નાગરિક હોવાના નામે આવે છે.