વડોદરા

વડોદરા મહાનગર પાલિકામાં વ્યાપેલા શાસકોના વ્યાપક ભ્રષ્ટાચાર અને ઇજારદારોની નબળી કામગીરીને લઈને અવારનવાર હેરાન પરેશાન થવું પડે છે. શાસકો,ઇજારદારો અને અધિકારીઓના ભ્રષ્ટાચારને લઈને ડ્રેનેજની નબળી કામગીરી કરાતા માંજલપુરમાં વધુ એક સ્થળે મસમોટો ભુવો મુખ્ય ડ્રેનેજ લાઈનમાં પડ્યો છે. આ ભુવાની રીપેરીંગની કામગીરીને માટે પંપીંગ સ્ટેશનને ત્રણ દિવસ માટે બંધ કરવું પડે એવી સ્થિતિ નિર્માણ થવા પામી છે. માત્ર પંદર દિવસના અત્યંત ટૂંકા ગાળામાં બીજા સ્થળે ભુવો પડતા ઇજારદારની કામગીરી અને એનું નિરીક્ષણ કરતા પાલિકાના ઇજનેરો શંકાના દાયરામાં આવી ગયા છે. જો કે અગાઉના ૨૯મી સપ્ટેમ્બરના રોજ પડેલા ભુવા કરતા આ વખતનો ભુવો પંપીંગ સ્ટેશનની મુખ્ય લાઈન પર પડ્યો હોવાથી અત્યંત ભયજનક ગણાવાઈ રહ્યો છે. એમાંથી પસાર થતા ડ્રેનેજના પાણીંના ફોર્સને લઈને ભુવો વધુને વધુ ઊંડો થવા ઉપરાંત જમીનનું આંતરિક ધોવાણ થતા એનું સતત વિસ્તરણ થઇ રહ્યું છે. જે ચિંતાનો વિષય બની ગયો છે. જો આ સ્થિતિ સતત ચાલુ રહેવા પામી તો તુલસીધામ, પાટીદાર ચાર રસ્તાથી સુશેન તરફ જતી મુખ્ય ડ્રેનેજ લાઈનમાં અનેક ઠેકાણે ભંગાણ સર્જાવવાની ભીતિ સેવાઈ રહી છે. આ વિસ્તારના જાગૃત નાગરિક વિજય બુંબડીયાએ સૌ પ્રથમ ભુવો જોતા તત્કાળ એની જાણ સ્થાનિક કાઉન્સિલર ચિરાગ ઝવેરીને કરી હતી. જેઓએ પાલિકાના સબંધિત અધિકારીઓને જાણ કરી ત્યાં સુધીમાં તો સામાન્ય ખાડા જેવી દેખાતી જગ્યા પર છ મીટર એટલેકે અઢાર ફૂટથી વધુ ઊંડો અને ૧૫ ફૂટ જેટલો પહોળો ભુવો પડી ગયો હતો. એમાં ડ્રેનેજનું પાણી સતત વહેતુ બંધ કરવાને માટે પંપીંગ સ્ટેશન બંધ કરવું પડે જેને લઈને તંત્ર મુંઝવણમાં મુકાઈ ગયું છે. જો આમ કરવામાં આવે તો આ વિસ્તારની દોઢસો જેટલી સોસાયટીઓમાં ગટરો ઊભરાવવાની સમસ્યા સર્જાય તેમ છે. એને લઈને અંદાજે એક લાખ જેટલા નાગરિકોને ત્રણ ત્રણ દિવસ સુધી આ સમસ્યા સહન કરવી પડે એવી સ્થિતિ છે. જેથી પંપીંગ સ્ટેશનથી સીધુ જ વરસાદી ગટરમાં કે બીજી કોઈ ચેમ્બરમાં ડ્રેનેજનું પાણી લઇ જવાને માટે હાઈ કેપેસિટીના પંપો ત્રણ દિવસ સુધી કે જ્યાં સુધી મરામતની કામગીરી ચાલે ત્યાં સુધી સતત કાર્યરત રાખવા પડે એમ છે. આમ માંજલપુર પંપીંગ સ્ટેશનથી તુલસીધામ ચાર રસ્તા પંપીંગ સ્ટેશનમાં જનારી મુખ્ય ડ્રેનેજ લાઈનમાં ભંગાણને લઈને ભુવો સર્જાતા પાલિકાના અધિકારીઓ કેવી રીતે કામગીરી શરુ કરવી એ પ્રશ્ને મુંઝવણમાં મુકાઈ ગયા છે.