વડોદરા : વડોદરામાં એક પછી એક જાણીતા લોકોના બોગસ સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવીને ફ્રેન્ડલિસ્ટમાંના લોકોને મેસેજ કરીને પૈસાની માંગણી કરવામાં આવતી હોવાના બનાવો સામે આવી રહ્યા છે. ત્રણ રાજકીય નેતાઓ બાદ આજે ગોત્રી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સુનિલ ચૌધરીના ફોટો અને નામનો ઉપયોગ કરીને કોઈ ભેજાબાજે બોગસ ફેસબુક એકાઉન્ટ ખોલ્યું હતું અને પોલીસ ઇન્સ્પેક્ટરના ફેસબુક મિત્રો પાસેથી ૧૦ હજાર રૂપિયાની માંગણી કરી હતી 

ગોત્રી પોલીસમથકના પોલીસ ઇન્સ્પેક્ટર સુનિલ ચૌધરીના તેમના એક મિત્ર સાબરકાંઠામાં ફરજ બજાવે છે, તેમણે ફોન કરીને ‘તમે ફેસબુક પર ઓનલાઇન રૂપિયા ટ્રાન્સફર કરવાની વાત કરી છે, તે સાચી છે?’ ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર સુનિલ ચૌધરીને ખ્યાલ આવ્યો હતો કે, તેમના નામનું કોઈએ બોગસ એકાઉન્ટ ખોલીને કોઇ ભેજાબાજ ટોળકી છેતરપિંડીનો પ્રયાસ કરી રહી છે, જેથી તેમણે તુરંત જ ફેસબુક એકાઉન્ટ પર સ્પષ્ટતા કરી હતી કે, મારૂ ફેસબુક એકાઉન્ટ હેક થયેલ છે, કોઇ ફ્રેન્ડ રિકવેસ્ટ આવે તો સ્વીકારવી નહીં અને પૈસા માંગે તો મોકલવા નહીં અને તેઓએ વડોદરા સાઇબર ક્રાઇમને પણ જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે, એક મહિના પહેલા વડોદરા શહેરની અકોટા વિધાનસભા બેઠકના ભાજપના મહિલા ધારાસભ્ય સીમાબેન મોહિલે સાઇબર ક્રાઇમનો ભોગ બન્યા હતા. ધારાસભ્ય સીમાબેન મોહિલેના નામનું નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવનાર સામે સીમાબેન મોહિલેએ વડોદરા ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યારબાદ તાજેતરમાં જ શહેર ભાજપના પ્રમુખ બનનાર ડૉ. વિજય શાહનું ઇન્સ્ટાગ્રામ આઈ.ડી પણ હેક થયું હતું. જ્યારબાદ, ૫ દિવસ પહેલા જ વડોદરા શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નરેન્દ્ર રાવતના નામથી કોઈ ભેજાબાજે બોગસ ફેસબુક એકાઉન્ટ શરૂ કર્યું હતું અને નરેન્દ્ર રાવતના મિત્રોને મેસેજ આપીને ફોન પેથી તાત્કાલિક ૧૦ હજાર રૂપિયાની મદદની માંગણી કરી હતી. જેની જાણ થતાં નરેન્દ્ર રાવતે વડોદરા સાઈબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી.