વડોદરા : વડોદરા શહેર જિલ્લામાં કોરોના તેજ રફ્તારથી આગળ વધી રહ્યો છે. જેના વાવાઝોડાની તેજ રફ્તારમાં દિવસે દિવસે માનવીઓના મોતની કિંમત સસ્તી અને સારવાર મોંઘી બની રહી છે. તંત્ર દ્વારા રોજે રોજ ખૂણે ખાચરે જગ્યાઓ શોધી શોધીને બેડની સંખ્યાઓ વધારવાને માટેના મરણિયા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં તંત્ર સફળ રહેવા છતાં પણ એવી સ્થિતિ ઉદ્ભવી રહી છે કે સરકારી અને ખાનગી હોસ્પિટલોના બેડ મેળવવાને માટે જતા હાઉસફુલના પાટિયા ઝૂલતા જાેવા મળે છે. જેમાં વગદારોને પણ માંડ માંડ બેડ મળે એવી સ્થિતિ સર્જાઈ છે. દિવસે દિવસે ગંભીર દર્દીઓની સંખ્યામાં પણ કુદકેને ભૂસકે વધારો થતા આઈસીયુમાં કીડીયારાની માફક ઉભરાતા દર્દીઓને કારણે ત્યાં પણ વેઇટિંગ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. જેને કારણે કેટલાક ગંભીર દર્દીઓને આઈસીયુમાં ખસેડતી વખતે માર્ગમાં જ અંતિમ શ્વાસ લઇ લે છે. આવી કરૂણ સ્થિતિ સર્જાઈ છે. આ બધા વચ્ચે કોરોનાના દર્દીઓની સંખ્યા પણ કુદકેને ભૂસકે વધારો થઇ રહ્યો છે. જેમાં આજે વધુ ૧૪૬ દર્દીઓનાં મોત નિપજ્યાં છે. એક તરફ કોરોનાનો કહેર રોકેટ ગતિએ કૂદકે ને ભૂસકે આગળ ને આગળ વધી રહ્યો છે. જ્યારે બીજી તરફ તંત્રના આયોજનો અને કોરોના વચ્ચે અન્ન અને દાતનો વેર હોય એવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. આવા સમયે ઊભી થયેલી કટોકટીભરી સ્થિતિમાં દિવસેને દિવસે કોરોનાને લઈને મોટી સંખ્યામાં લોકો મોતને ભેટી રહ્યા છે. આજે વધુ ૧૪૬ લોકોનાં કોરોનાથી મોત નિપજ્યાં છે, જ્યારે અત્યાર સુધી આ તબક્કાના સૌથી વધુ ૫૪૫ વ્યક્તિઓ પોઝિટિવ આવતાં આવા દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. કોરોનાનો વ્યાપ એટલા મોટા પ્રમાણમાં જાેવા મળી રહ્યો છે કે દર્દીઓ જલદી સાજા થતા નથી તેમજ એમનામાં કોઈ ને કોઈ નવા સિમટમ્સ જાેવા મળતાં તબીબીઆલમ પણ કોરોનાની ચાલને પારખી શકતું નથી, જેને કારણે આજે સરકારી હોસ્પિટલોમાંથી માત્ર આઠ દર્દીને રજા આપવામાં આવી છે, જ્યારે ખાનગી હોસ્પિટલોમાંથી ૩૧ દર્દીઓને રજા આપવામાં આવી છે. આમ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાંથી માત્ર ૩૯ દર્દીઓને રજા અપાઈ છે. જ્યારે રજા અપાયેલા કુલ દર્દીઓની સંખ્યામાં પણ મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. આજે માત્ર ૩૪૭ને રજા અપાઈ છે. જેમાં ૮ સરકારી અને ૩૧ ખાનગી હોસ્પિટલના દર્દીઓ ઉપરાંત ૩૦૮ હોમ ક્વોરન્ટાઈનના દર્દીઓનો સમાવેશ થાય છે. આવી દારુણ વકરતી જતી પરિસ્થિતિમાં છેલ્લાં કેટલાંક દિવસથી કોરોના સંક્રમિતોના કેસો સતત વધી રહ્યા છે. જેમાં આજે વધુ ૫૪૫ પોઝિટિવ દર્દીઓનો ઉમેરો થવા પામ્યો છે. જ્યારે બિનસત્તાવાર રીતે મૃતાંક ૧૪૬ છે, જે આંક મોડી સાંજે પોણા બસોને વટાવી ગયાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે. પરંતુ નફ્ફટ તંત્ર સત્યનો સ્વીકાર કરવાને બદલે હજુ સત્તાવાર માત્ર આઠના મોતને બહાલી આપી રહ્યું છે. અત્યાર સુધીના કુલ ૩૬૮૯૧ દર્દીઓમાં આજના ૫૪૫ દર્દીઓના વધારા સાથે એનો આંક ૩૭૪૩૬ સુધી પહોંચ્યો છે, જે આ તબક્કાનો વિક્રમી આંક છે. આજે વડોદરા શહેરના ૨૯ જેટલા અને વડોદરા ગ્રામ્યના ૧૩ જેટલા વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધવા પામ્યું છે. આમ શહેર-જિલ્લાના ૪૨ જેટલા વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વિસ્તરતાં એ બાબત ચિંતાનો વિષય બની ચૂકી છે. આજરોજ લેવાયેલા ૬૩૬૫ સેમ્પલોમાંથી ૫૮૨૦ નેગેટિવ અને ૫૪૫ પોઝિટિવ આવ્યા છે. જ્યારે સરકારી દફતરે સત્તાવાર રીતે ગણાયેલા ૨૯૪ મૃતાંકમાં વધુ આઠનો ઉમેરો થતાં સરકારી ચોપડે મૃતાંકની સંખ્યા ૩૦૨ સુધી પહોંચી છે. હાલમાં કુલ ૫૬૫૪ જેટલા કોરોના પોઝિટિવના દર્દીઓ દાખલ છે. જેમાં ૫૦૭૫ સ્ટેબલ, ૩૪૪ ઓક્સિજન ઉપર અને ૨૩૫ વેન્ટિલેટર ઉપર સારવાર લઇ રહ્યા છે. આજે સરકારી હોસ્પિટલોમાંથી ૮ અને ખાનગી હોસ્પિટલોમાંથી ૩૧ તેમજ હોમ આઇસોલેશનમાંથી ૩૦૮ દર્દીઓને રજા આપવામાં આવી છે. આમ દિવસ દરમિયાન ૩૪૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગતરોજ સુધી કરાયેલા ૩૧૧૩૩ દર્દીઓમાં વધુ ૩૪૭નો ઉમેરો થતાં સંખ્યા ૩૧૪૮૦ થતાં હવે એનો આંકડો ૩૧ હજારને આંબી ૩૨ હજારની નજીક પહોંચી ગયો છે. કોવિડ-૧૯ના જે દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા હોય છે તેઓના સંપર્કમાં આવેલ વ્યક્તિઓને હોમ ક્વૉરન્ટાઈન કરવામાં આવે છે. આવી ૯૮૬૩ વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરાઈ છે. આમ હાલના તબક્કે કોરોનાની સ્થિતિ દિવસે ને દિવસે અત્યંત વિકટ બની રહી છે. જેને લઈને ખુદ તંત્રના આયોજકો પણ ગણતરીઓ ઊંધી પડતાં માથું ખંજવાળી રહ્યા છે, એટલું જ નહિ કોરોનાના કહેર સામે તંત્ર વામણું સાબિત થયું છે. જ્યારે કોરોના દિવસે ને દિવસે વામનમાંથી વિરાટ પછીથી હવે તો સંક્રમણ અને મોતના બંને મામલે મહાકાય સ્વરૂપે નજરે પડી રહ્યો છે, એવી લાગણી શહેરના શહેરીજનો અને ગ્રામ્ય વિસ્તારના નાગરિકોમાં પ્રવર્તી રહી છે.

શહેરના પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૮૮ અને ગ્રામ્યમાં ૨૫૬ કેસ નોંધાયા

કોરોનાના બીજા તબક્કામાં વડોદરા શહેરમાં એક જ દિવસમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ૫૪૫ કેસ નોંધાયા છે. જેમાં વડોદરા શહેરના પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૮૮ કેસ નોંધાયા છે. જયારે ગ્રામ્યમાં ૨૫૬ કેસ નોંધાયા છે. આ ઉપરાંત પૂર્વ ઝોનમાં ૭૧, ઉત્તરમાં ૭૩ અને દક્ષિણમાં ૫૭ કેસ નોંધાયા છે. અલબત્ત અત્યાર સુધીમાં વડોદરા શહેરમાં સૌથી વધુ કેસો ઉત્તર ઝોનમાં ૭૨૩૩ કેસ નોંધાયા છે. જયારે ગ્રામ્યમાં ૧૦૯૩૩ કેસ નોંધાયા છે. સૌથી વધુ મોત વડોદરા ગ્રામ્યમાં ૬૮ અને ઉત્તર ઝોનમાં ૬૮ નોંધાયા છે.જયારે શહેરના અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો પૂર્વમાં ૫૧,પશ્ચિમમાં ૫૪ અને દક્ષિણમાં ૬૧ વ્યક્તિઓના મોત નોંધાયા છે. આમ દિવસે દિવસે શહેરના અલગ અલગ વિસ્તારોમાં વધઘટ થતા સંક્રમણને લઈને તબીબો પણ મુંઝવણભરી સ્થિતિમાં મુકાઈ ગયા છે.

૧૯૯ હોસ્પિટલોને ૨૦૪૭ ડોઝ ફાળવવામાં આવ્યા

નોડલ અધિકારીઓની દેખરેખ હેઠળ કોવિડના દર્દીઓની સારવારમાં ઉપયોગી રેમડેસીવર ઇન્જેક્શનની માન્ય ખાનગી હોસ્પિટલોને ફાળવણી કરવામાં આવી રહી છે. આ અંગે જાણકારી આપતાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી અને નોડલ અધિકારી આર.બી.ત્રિવેદીએ જણાવ્યું કે આજે ૧૯૯ હોસ્પિટલોને ૨૦૪૭ ડોઝ ફાળવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૨૭૯૧૩ ડોઝ ફાળવી દેવાયા છે.

છેલ્લા બે દિવસમાં કોરોનાના ૪૫૦થી વધુ દર્દીઓના મોત નિપજ્યા

વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાથી ટપોટપ દર્દીઓના મોત નીપજી રહયા છે. ત્યારે સત્તાવાર સૂત્રો દ્વારા મળતી ચોંકાવનારી માહિતી અનુસાર છેલ્લા બે દિવસમાં કોરોનાને કારણે ૪૫૦ ઉપરાંત દર્દીઓ મોતને ભેટયા છે. જયારે વીતેલા છેલ્લા ૨૪ કલાક દરમ્યાન કોરોનાના ૨૨૭ દર્દીઓના મોત નિપજ્યા છે. જે દર્દીઓની કોરોનાના પ્રોટોકોલ મુજબ અને કંટ્રોલ રૂમ થકી મૃતદેહોની સોંપણી અને અંતિમવિધિ કરવાને માટે સ્મશાનોની ફાળવણી કરવામાં આવે છે.એના આંકડાઓને આધારે આ ચોંકાવનારી અને આખો ફાડી દેનારી હકીકત પ્રકાશમાં આવી છે.

શહેર અને ગ્રામ્યના ૪૨ જેટલા વિસ્તારોમાં કોરોના સંક્રમણમાં વધારો નોંધાયો

વડોદરા શહેરના અંદાજે ૨૯ જેટલા અને ગ્રામ્યના અંદાજે ૧૩ જેટલા મળીને કુલ ૪૨ જેટલા વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ પ્રસર્યું છે. અલબત્ત ગતરોજ કરતા એમાં માત્ર બે વિસ્તારોમાં કોરોના સંક્રમણનો વ્યાપ ઘટેલો જાેવા મળ્યો છે. શહેરના જે ૨૯ વિસ્તારોમાં કોરોનાના કેસો જાેવા મળ્યા છે.એમાં સ્વાદ, ગાજરાવાડી, કપુરાઇ, યમુનામીલ, કિશનવાડી, અકોટા, માંજલપુર, ગોરવા, શિયાબાગ, એકતાનગર, દંતેશ્વર, વડસર, અટલાદરા, ગોત્રી, તરસાલી, છાણી, ફતેપુરા, નવાયાર્ડ, મકરપુરા, બાપોદ, આજવારોડ, વાઘોડિયારોડ, નવાબજાર,પાણીગેટ, વારસિયા,કારેલીબાગ, હાથીખાના, દિવાળીપુરા અને ળકીયાપુરી સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. જયારે ૧૩ ગ્રામ્યના વિસ્તારોમાં વરણામા, ઈટોલા, બાજવા, રણોલી, ડભોઇ, શિનોર, વાઘોડિયા, વેમાલી, દુમાડ ઉંડેરા, મહાપુરા, સેવાસી અને ભાયલીનો સમાવેશ થાય છે.