નવીદિલ્હી 

ટીમ ઈન્ડિયા અત્યારે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે અને શુક્રવારથી બન્ને બળુકી ટીમ વચ્ચે વન-ડે શ્રેણીનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્રણ વન-ડે અને ત્રણ ટી-20 મેચ રમાયા બાદ 17 ડિસેમ્બરથી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણી રમાવાની છે જેનો પ્રથમ મુકાબલો એડિલેડમાં ડે-નાઈટ રોશનીમાં રમાશે. જો કે થોડા સમયથી એડિલેડમાં કોરોનાના કેસમાં વધારો થવા લાગતાં આ મેચ રમાશે કે કેમ તેના ઉપર પ્રશ્ર્નાર્થ મુકાઈ ગયું હતું. જો કે હવે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જાહેરાત કરતાં કહ્યું છે કે ટેસ્ટ મેચ નિર્ધારિત સમય પ્રમાણે જ રમાશે અને તેમાં કોઈ જ ફેરફાર કરાશે નહીં.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ચીફ એક્ઝિક્યુટિવ નીક હોકલીએ જણાવ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એડિલેડમાં રમાનારો પહેલો ટેસ્ટ મેચ તેના નક્કી કરાયેલા સમય મુજબ જ રમાશે. ગત સપ્તાહે કોરોનાના કેટલાક કેસ જોવા મળ્યા હતા પરંતુ દક્ષિણ ઓસ્ટ્રેલિયન સરકાર સાથે અમે સાવધાનીપૂર્વક કામ કરી રહ્યા છીએ અને હાલમાં અમને આશ્ર્વસ્ત કરવામાં આવ્યા છે કે દરેક પ્રકારની સાવધાની રાખવામાં આવશે. ગત શનિવારે લોકડાઉનનો એક તબક્કો પૂર્ણ થયો છે તેથી હવે એડિલેડ ટષસ્ટ માટે પૂરતું ધ્યાન આપી શકાશે. અમને ભરોસો છે કે નિર્ધારિત સમયપત્રક મુજબ અમે આગળ વધી શકીશું. ઉલ્લેખનીય છે કે કોરોનાના કેસ વધતાં પહેલી ડે-નાઈટ ટેસ્ટ મેચ પર સંકટના વાદળો ઘેરાયા હતા.

આ અંગે નીક હોકલીએ કહ્યું કે અમે નસીબદાર છીએ કે ઓસ્ટ્રેલિયામાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઓછી છે. સ્વાસ્થ્ય અધિકારીઓ સાથે અમે નજીકથી કામ કરી રહ્યા છીએ અને શક્ય એટલી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. આઈપીએલથી ઓસ્ટ્રેલિયા આવેા ભારતીય ખેલાડીઓની ટ્રેનિંગ, તેમનું ક્વોરેન્ટાઈન, જિમ પર પણ અમે ધ્યાન આપી રહ્યા છીએ. અત્યારે બન્ને દેશના ખેલાડીઓ સુરક્ષિત છે અને બીસીસીઆઈ સાથે અમે સતત સંપર્કમાં છીએ.