અમદાવાદ-

અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ભારતીય ક્રિકેટ બાર્ડની ૮૯મી ઍન્યુઅલ જનરલ મીટિંગ યોજાવાની છે. આ મીટિંગમાં આઇપીએલની આગામી સીઝનમાં બે નવી ટીમનો સમાવેશ કરવો કે નહીં ઉપરાંત આ કોરોનાકાળમાં ડોમેસ્ટિક ક્રિકેટ અને આગામી ટી૨૦ વર્લ્ડ કપના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા થશે. માહિતી પ્રમાણે આઇપીએલમાં બે નવી ટીમનો આવતા વર્ષને બદલે ૨૦૨૨થી ઉમેરવાનો નિર્ણય મોટા ભાગે લેવાઈ ગયો છે.

આ ઉપરાંત ટૅક્સને લગતી બાબતો, ક્રિકેટ સમિતિ, આઇસીસીમાં ભારતના નવા પ્રતિનિધિ અને ત્રણ નવા પસંદગીકારોની પસંદગી અંગે બેઠકમાં નિર્ણય લઈ શકાય છે. બોર્ડના સેક્રેટરી જય શાહ આઇસીસીમાં બોર્ડનું પ્રતિનિધિત્વ કરી શકે છે. BCCIએ બેઠકના ૨૧ દિવસ પહેલાં બધા ઍફિલિએટેડ યુનિટ્સને ૨૩ પૉઇન્ટ્સનો એજન્ડા પણ મોકલ્યો હતો. બેઠકમાં બોર્ડના નવા ઉપાધ્યક્ષ અંગે પણ નિર્ણય લેવામાં આવશે. આ માટે કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા રાજીવ શુક્લાની ઔપચારિક રીતે ઘોષણા થશે. મહિમ વર્માએ રાજીનામું આપ્યું હોવાથી આ પદ ખાલી હતું.

માનવામાં આવી રહ્યું છે કે આજે આઇપીએલની બે નવી ટીમનો સમાવેશ કરવા બાબતે ચર્ચા કરવામાં આવશે. જોકે બન્ને ટીમને ૨૦૨૨થી જ આઇપીએલમાં રમવાની તક મળશે. આઇપીએલની પાછલી સીઝનની જેમ ૨૦૨૧માં પણ ૮ ટીમ ભાગ લેશે. એટલું જ નહીં, મેગા ઑક્શનને બદલે આ વખતે પણ મિની ઑક્શન જ થશે. બે દિવસ પહેલાં જ બધા સભ્યો અમદાવાદ પહોંચી ગયા હતા અને તેમની કોરોના-ટેસ્ટ પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત બોર્ડરૂમની ગરમાગરમી પહેલાં મેદાનમાં સભ્યો વચ્ચે ક્રિકેટિંગ ટક્કર જોવા મળી હતી. પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલી ઇલેવન અને સેક્રેટરી જય શાહ ઇલેવન વચ્ચે જામેલી આ ટક્કરમાં જય શાહે સૌરવ ગાંગુલીની ટીમને ૨૮ રનથી માત આપી હતી. ભૂતપૂર્વ કૅપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન જય શાહની ટીમ વતી રમ્યા હતા. આજે મોટા ભાગે બોર્ડેના ઉપાધ્યક્ષ બની જનાર રાજીવ શુક્લાએ મૅચ રેફરીની ભૂમિકા ભજવી હતી.