સિડની-

ઓસ્ટ્રેલિયામાં ભારત સામે ચાલી રહેલી સિડની ખાતેની ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસનો વિવાદ વધુ આગળ વધ્યો છે. મોહંમદ સિરાજે ઓસ્ટ્રેલિયન દર્શકો દ્વારા જાતિવાદી ટીપ્પણી કરાયાની ફરીયાદ કરતાં પોલીસ બોલાવવી પડી હતી અને ત્યારબાદ તે પૈકીના 6 જેટલા દર્શકોને મેદાન પરથી બહાર કાઢી મુકાયા હતા. આ બાબતે ભારે જોર પકડતાં આખરે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમની માફી માંગી હતી. 

આ વિવાદમાં ગઈકાલે પણ પ્રેક્ષકોના એક જૂથે સિરાજ અને બુમરાહને મંકી કહ્યા હતા, અને ભારતીય ક્રિકેટ બોર્ડે શનિવારે તે અંગે ફરીયાદ પણ કરી હતી. બે દિવસથી આ પ્રકારની અભદ્ર ટીપ્પણી સ્ટેન્ડની પાસે ફિલ્ડીંગ કરી રહેલા ભારતીય ખેલાડીઓ અંગે કરવામાં આવે છે, જે ફિલ્ડરોનું ધ્યાનભંગ કરે છે, અને તેમના મનોબળ પર અસર કરે છે. 

ટેસ્ટના ચોથા દિવસે 86મી ઓવર નંખાતી હતી એ દરમિયાન પણ આવો બનાવ બનતાં સિરાજે કેપ્ટન આજીંક્ય રહાણે અને અન્ય ખેલાડીઓ સાથે મળીને અમ્પાયરને ફરીયાદ કરી હતી. ત્યારબાદ મેચ રેફરી અને ટીવી અમ્પાયરે પણ વાતચીત કરીને પોલીસને બોલાવવાનો નિર્ણય કર્યો હતો. આખરે પોલીસે આવીને આવા 6 દર્શકોને પેવેલિયન છોડાવી દીધું હતું. આ સમગ્ર ઘટના દરમિયાન થોડી મિનિટો સુધી ક્રિકેટ અટકાવી દેવાઈ હતી. સમગ્ર ઘટનાની નોંધ લીધા બાદ આખરે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમની માફી માંગી હતી અને કહ્યું હતું કે, રંગભેદવાદી ટીપ્પણીને બોર્ડ જરાય ચલાવી નહીં લે અને એ બાબતે જરૂર પગલાં લેવામાં આવશે.