વડોદરા : ભારતીય ક્રિકેટ ટીમમાં રમી ચૂકેલા ઈરફાન પઠાણ ઉપર એક પરિણીતા સાથે નાજાયજ સંબંધો હોવાનો આરોપ લગાવતો વીડિયો વાયરલ થતાં ચકચાર જાગી છે. પરિણીતાના અમદાવાદ ખાતે રહેતા સાસુ-સસરાએ જ વીડિયોમાં પુત્રવધૂ ઈરફાન પઠાણ સાથે સૂઈ જતી હોવાનું જણાવી ઈરફાનના ઈશારે પોલીસ હેરાન હોવાથી આત્મવિલોપન કરવાની ધમકી વાયરલ થયેલા વીડિયોમાં આપી છે. પરિણામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ ઈરફાનની નજીકના સૂત્રોએ જણાવ્યું છે કે, પારિવારિક ઝઘડામાં એનું નામ ખોટી રીતે સંડોવી દેવાયું છે.

અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રહેતા ઈબ્રાહિમભાઈ સૈયદે પત્નીને સાથે રાખી બનાવેલા વીડિયોમાં આત્મહત્યાની ધમકી આપી છે અને વીડિયો વાયરલ કર્યો છે. આ વીડિયોમાં તેમની પુત્રવધૂના ક્રિકેટર ઈરફાન પઠાણ સાથે સંબંધ છે તેના લીધે પોલીસ તેમને હેરાન કરી રહી હોવાથી હવે પોલીસ મથકે જઈ ઝેરી દવા પી લીધા વગર છૂટકો નહીં હોવાનું જણાવ્યું છે.

ઈબ્રાહિમભાઈ પોતે ગુજરાત પોલીસમાંથી નિવૃત્ત થયા બાદ હાલ જુહાપુરા રોડ ઉપર તવક્કલ નામની હોટેલ ચલાવી રહ્યા છે. તેમના દીકરાના લગ્ન ક્રિકેટર ઈરફાન પઠાણની પરિચિત યુવતી સાથે થયા હતા. વીડિયોમાં ઈબ્રાહિમભાઈએ પુત્રવધૂ પુત્રને બદલે ઈરફાન સાથે સૂતી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. વીડિયો બનાવનાર ઈબ્રાહિમભાઈના દીકરાના લગ્ન થયા બાદ પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને વિવાદ વધતાં પરિણીતા જુહાપુરા સાસરેથી પિયર વડોદરા પરત આવી ગઈ હતી અને ઈબ્રાહિમભાઈ તેમની પત્ની તથા પુત્ર સામે પુત્રવધૂએ દહેજની માગણીને શારીરિક અને માનસિક ત્રાસ અને મારપીટને લઈને દહેજ ઉત્પીડનની ડોમેસ્ટિક વાયોલેન્સને લગતી ઈપીકો કલમ નં.૪૯૮ હેઠળ કેસ કર્યો હતો. ૧૩મી માર્ચના રોજ નોંધાયેલી ફરિયાદની તપાસ શરૂ થતાં જ રેલો પોતાની નીચે આવશે એવું સમજી ચૂકેલા ઈબ્રાહિમભાઈએ ક્રિકેટર ઈરફાન પઠાણને સંડોવી દીધો હોવાની વાત ઈરફાનને બચાવવા માગતા સૂત્રોએ વહેતી મૂકી છે.વીડિયો વાયરલ થયા બાદ મોડી સાંજે જુહાપુરા વિસ્તારના વેજલપુર પોલીસ મથક ખાતે ઈબ્રાહિમભાઈ અને પત્નીને લઈ જઈ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. બીજી તરફ વીડિયો વાયરલ થયા બાદ વડોદરા સહિત ક્રિકેટરસિયાઓમાં ભારે ચકચાર જાગી હતી. સાચી હકીકત જાણવા માટે ઈરફાન અને યુસુફનો સંપર્ક કરવા છતાં તેમના તરફથી કોઈ પ્રતિભાવ અપાયો નહોતો.

પુત્રવધૂએ જ સંબંધોની કબૂલાત કરી હોવાનું રેકોર્ડિંગ પોલીસને સોંપાયું

વડોદરા. વીડિયો વાયરલ કરનાર ઈબ્રાહિમભાઈએ પોતે જણાવ્યું છે કે મારી પુત્રવધૂએ જ ઈરફાન સાથે મારે સંબંધો હોવાની કબૂલાત કરી હતી અને આ અંગેનું રેકોર્ડિંગ મેં વેજલપુર પોલીસને આપ્યું હોવા છતાં પુત્રવધૂ અને ઈરફાનના સંબંધોની તપાસ કરવાને બદલે વેજલપુર પોલીસ મથકના પીએસઆઈ પરમાર પુત્રવધૂની ફરિયાદના આધારે અમારી ઉપર કડક કાર્યવાહી કરવાની ધમકી આપતા હોવાનું જણાવ્યું છે. ખરેખર તો રેકોર્ડિંગના આધારે તપાસ થાય તો મોટો ઘટસ્ફોટ થાય એવું ઈબ્રાહિમભાઈએ ઉમેર્યું છે.

ઘટના અંગે અમદાવાદ પોલીસનું શું કહેવું છે?

નિવૃત્ત એએસઆઈનો વીડિયો વાયરલ થયો હતો. જાે કે ગત માર્ચ મહિનામાં તેમની પુત્રવધૂએ તેમની પત્ની અને પતિ વિરુદ્ધ ૪૯૮ની ફરિયાદ કરી હતી. ત્યાર બાદ નિવૃત્ત એએસઆઈ એક અરજી લઇ આવ્યા હતા, જેમાં ધમકી અને પુત્રવધૂ જે પોતાના દાગીના લઇ ગઈ હતી, તે ચોરીની ફરિયાદ લઈ આવ્યા હતા. જાે કે સ્ત્રી પોતાનું ધન પાછું લઈ જાય તો તેની સામે ચોરીનો ગુનો બનતો નથી. જેથી નિવૃત્ત એએસઆઈને પાછા મોકલી આપ્યા હતા. બાદમાં તેમને આ વીડિયો વાયરલ કર્યો હતો અને પીએસઆઇ પરમાર વિરુદ્ધ આક્ષેપ કર્યા હતા. જાે કે, ઈરફાન પઠાણ મહિલાના મામાનો દીકરો હોવાનું બહાર આવ્યું છે. નિવૃત્ત એએસઆઈએ કોઈ રેકોર્ડિંગ કે કોઈ પુરાવા તેમની પુત્રવધૂ કે ઈરફાન પઠાણ વિરુદ્ધ આપ્યા ન હોવાનું વેજલપુર પીઆઇ એલ.ઓ.ઓડેદરાએ જણાવ્યું હતું.