મુંબઈ :  વડોદરાનિવાસી ક્રિકેટર અને આઈપીએલ-૨૦૨૦ સ્પર્ધામાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ખેલાડી કૃણાલ પંડ્યા ગઈ કાલે દુબઈથી મુંબઈ આવી પહોંચ્યા બાદ એરપોર્ટ પર એને અટકાવવામાં આવ્યો હતો. એની પાસે અઘોષિત સોનું તથા અન્ય કિંમતી ચીજવસ્તુઓ હોવાની શંકા જતાં ડાયરેક્ટોરેટ ઓફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સ (ડ્ઢઇૈં) વિભાગના અધિકારીઓએ એને અટકાવ્યો હતો. કૃણાલ યુએઈથી ચાર્ટર્ડ ફ્લાઈટ દ્વારા ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા બાદ મુંબઈ આવી પહોંચ્યો હતો. ત્યારે ડીઆરઆઈના જવાનનોએ એને અટકાવ્યો હતો. કૃણાલ ગઈ ૧૦ નવેમ્બરે દુબઈમાં આઈપીએલ-૨૦૨૦નું વિજેતાપદ જીતનાર મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો સભ્ય હતો. ટીમે ફાઈનલ મેચમાં દિલ્હી કેપિટલ્સને પરાજય આપ્યો હતો. કૃણાલ આઈપીએલમાં અત્યાર સુધીમાં મુંબઈ ટીમ વતી ૭૧ મેચોમાં રમ્યો છે. ૨૦૧૭ની ફાઈનલમાં એ પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. કૃણાલ પાસે હીરાજડિત બે લક્ઝરી કાંડાઘડિયાળો હતી (બે ઓડેમર્સ પિગેટ અને બે રોલેક્સ ઘડિયાળ). આ કેસ પ્રમાણમાં નાનો હોવાથી ડીઆરઆઈ વિભાગે સામાન્ય નિયમો અનુસાર કેસને એરપોર્ટ કસ્ટમ્સ વિભાગને સુપરત કરી દીધો હતો.