દિલ્હી-

સેન્ટ્ર્‌લ ક્રાઈમ બ્રાન્ચ યાને સીસીબી દ્વારા રુપિયા ૯ કરોડના મૂલ્યના ૩૧ જેટલા બિટકોઈન્સ ઝડપી પાડવામાં આવ્યા છે. નવેમ્બર માસમાં આરોપી તરીકે ઝડપાયેલા હેકર અને નશીલી દવાઓની હેરફેર કરનારા ૨૫ વર્ષીય જી શ્રીક્રિશ્ના ઉર્ફે સિરકી પાસેથી આ બિટકોઈન ઝડપી પાડવામાં આવ્યા હતા.

આ તપાસ દરમિયાન અધિકારીઓને કોલકાતાનો કુખ્યાત બિટકોઈન વેપારી રોબિન ખંડેલવાલ સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યા બાદ તેની ઉલટ તપાસ કરતાં સિરકીનું નામ જાણવા મળ્યું હતું કે તેણે તેને ૩૧ જેટલા બિટકોઈન આપ્યા હતા. પોલીસે આ કેસમાં ખંડેલવાલની પણ ધરપકડ કરી છે. પોલીસને જાણવા મળ્યું હતું કે, સિરકી હવાલા કૌભાંડમાં સામેલ હતો અને ભારતીય ચલણી નોટોને એ બિટકોઈન કરન્સીમાં કન્વર્ટ કરતો હતો. ૧૮મી નવેમ્બરના રોજ પોલીસે તેને એકથી વધુ આરોપો હેઠળ અટકમાં લીધો હતો જેમાં સરકારી વેબસાઈટોમાં હેકીંગ કરવા ઉપરાંત નશીલી દવાઓનો સપ્લાય કરવાના કામનો તેમજ ડ્રગ્સના સેવનનો સમાવેશ થાય છે. ૨૦૧૯માં સરકારી વેબસાઈટ કે જે ઓનલાઈન ચીજાે ખરીદતી હતી તેના થકી રુપિયા ૧૧ કરોડ ટ્રાન્સફર કરી લેવાના કેસમાં પણ તે સામેલ હતો. ગુના શોધક શાખાએ આ કેસમાં તપાસ શરુ કરીને ૬ જણાની ધરપકડ પણ કરી છે. સીઆઈડીના સૂત્રોએ જણાવ્યું હતું કે, તેઓ સિરકીના રીમાન્ડની માંગ કરશે અને તેની ઉલટતપાસ કરશે. પોલીસે જણાવ્યું હતું કે, ડ્રગ સપ્લાય કરવાના કેસમાં એક અન્ય શખ્સની ધરપકડ કરવાને પગલે તેમને સિરકી સુધી પહોંચવામાં મદદ મળી હતી. આ ઉપરાંત એ એક પબમાં બિઝનેસમેનના પુત્ર પર હુમલાના કેસમાં પણ પોલીસ દ્વારા અટકમાં લેવાયો હતો.