અમદાવાદ-

વસ્ત્રાપુરના પીએસઆઈના ઘરમાંથી ચોરી કરનાર ત્રણ આરોપીને ક્રાઈમબ્રાંચની ટીમે મકરબા જવાના રોડ પરથી ઝડપી પાડ્યા હતા. આ ત્રણેય આરોપીઓ પાસેથી સોનાના દાગીના, જર્મન સિલ્વર ધાતુના ગ્લાસ અને રોકડ સહીત કુલ રૂ.12.24 લાખનો મુદ્દામાલ મળી આવતા ક્રાઈમ બ્રાંચે જપ્ત કરી પુછપરછ હાથધરી છે.

શહેરમાં નાની મોટી ચોરીના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે અને આ ચોરીની પોલીસ ફરીયાદ પણ થાય છે. જો કે ચોર ટોળકીઓને પકડવામાં ઘણો સમય લાગતો હોય છે અમુક કિસ્સામાંતો પકડાતા પણ નથી, પરંતુ થોડા સમય પહેલા વસ્ત્રાપુરમાં રહેતા એક એસીપીના ઘરમાંથી સોનાના દાગીના- જર્મન સિલ્વરના ધાતુના ગ્લાસ અને રોકડ સહીતની ચોરી થયાની ફરીયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જેના ગણતરીના દિવસોમાં જ આ ચોર ટોળકીને ક્રાઈમ બ્રાંચની ટીમે મકરબા જવાના રોડ પરથી ઝડપી પાડ્યા હતા. આરોપીની પુછપરછ કરતા પોતાના નામ જયદિપસિંગ ઉર્ફે મામુ, આશિફ શેખ અને જગદીશ ઉર્ફે જગો હોવાનું જણાવ્યું હતુ. આ ત્રણેયની અંગ ઝડતી કરતા ચોરીના સોનાના દાગીના, જર્મન સિલ્વર ધાતુના ગ્લાસ, રોકડ સહીત કુલ રૂ. 12.24 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, થોડા દિવસ પહેલા વસ્ત્રાપુરની સરકારી વસાહતના એક રૂમમાંથી સોનાના તથા જર્મન સિલ્વર ધાતુના ગ્લાસ અને રોકડની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ઉપરાત એલીસબ્રીજ, અસલાલી અને વસ્ત્રાપુર વિસ્તારમાંથી પણ અગાઉ ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતુ.