હાલોલ, તા.૨૯

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે  ચૈત્રી નવરાત્રીના આઠમા નોરતે લાખો માઇભકતો માતાજીના દર્શને ઉમટી પડયા હતા.જેમાં મહાકાળી માતાજીના ભકતોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગર ઉપર બિરાજમાન શ્રી મહાકાળી માતાજીનું ધામ ૫૧ શક્તિપીઠ પૈકીનું એક શક્તિપીઠ ગણાય છે.  મહાકાળી માતાજીના ભક્તો માતાજીના દર્શન કરવા માટે વર્ષ દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્ય સહિત આંતર રાજ્યોમાંથી લાખોની સંખ્યામાં પાવાગઢ ખાતે ઉમટી પડે છે. ચૈત્રી અને આસો નવરાત્રી આદ્યશક્તિ મા જગતજનની મહાકાળી માતાજીનું આરાધનાનું પર્વ છે. ચૈત્રી નવરાત્રીના પહેલા નોરતેથી જ માઈ ભક્તો લાખોની સંખ્યામાં માતાજીના દર્શને આવતા જાેવા મળ્યા હતા. ​​​​​​​

ચૈત્રી નવરાત્રીના આઠમા નોરતાને લઇ ગત મોડી રાત્રીથી જ માતાજીના ભક્તો મોટી સંખ્યામાં પાવાગઢ પગપાળા તેમજ સરકારી બસોમાં પાવાગઢ ખાતે ઉમટી પડ્યા હતા. જેને લઈ મંદિર ટ્રસ્ટ દ્વારા વહેલી સવારના સુમારે  માતાજીના મંદિરના નીજ દ્વારા ભક્તોના દર્શનાર્થે ખુલ્લા મુકવામાં આવ્યા હતા.જેમાં વહેલી સવારથી જ માતાજીના કપાટ દર્શન માટે ખોલી દેવાતા માતાજીના ભક્તોએ માતાજીના દર્શન કરી જયકારો કરતા જય માતાજીના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્‌યું હતું. 

ચૈત્રી નવરાત્રી તેમજ પ્રથમ નોરતાને લઈ પાવાગઢ ખાતે ભક્તોનો પ્રવાહ વધારે હોવાથી જિલ્લા અને સ્થાનિક પોલીસ તેમજ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા  યાત્રિકોને સુખ સુવિધા તેમજ સલામતી અને સુરક્ષાને લઈ પાવાગઢની તળેટીથી લઈ પાવાગઢ ડુંગર સુધીના વિસ્તારમાં લગભગ ૭૦૦ જેટલા પોલીસ કર્મી,  એસઆરપી,  હોમગાર્ડના જવાનો ખડે પગે તૈનાત થઈ સજ્જતા સાથે યાત્રિકો પર બાજ નજર રાખવામાં આવી રહી છે.