વડોદરા : ન્યુવીઆઈપીરોડ પર આજે સવારે માતાજીને વળાવવાની ધાર્મિક વિધિમાં દેવીપુજક સમાજ સહિત હજારોના ટોળેટોળા ભેગા થતા કોરોના વાયરસના કારણે લદાયેલા પ્રતિબંધ અને સોશ્યલ ડિસ્ટન્સીંગના જાહેરમાં લીરેલીરે ઉડ્યા હતા. માસ્ક વિના જ ખીચોખીચ રીતે ભેગા થયેલા ટોળાએ ઢોલ અને ઢમરુના તાલે ધાર્મિક વિધિ સંપન્ન કરી હતી જે બાદ સફાળી જાગેલી વારસિયા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જાેકે આ દરમિયાન માતાજીને લેવા માટે આવેલા ભુવા સહિતના અગ્રણીઓ ફરાર થતા પોલીસે આ બનાવમાં ૮૦૦થી ૧૦૦૦ના સ્ત્રીપુરુષોનો ટોળા સામે ગુનો નોંધી તે પૈકીના ૫૭ લોકોની અટકાયત કરી તેઓને વારસિયા પોલીસ મથકમાં લઈ આવી હતી.  

હાલમાં કોરોનાના કારણે શહેર પોલીસ કમિ.દ્વારા સામાજિક, શૈક્ષણીક, રમત-ગમત, મનોરંજન, સાંસ્કૃતીક પ્રવૃતીઓ તેમજ ધાર્મિક-રાજકિય સમારોહ કાર્યક્રમો પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ બહાર પાડ્યું છે. જાેકે આ જાહેરનામાનો ભંગ કરીને આજે સવારે ન્યુવીઆઈપીરોડ પર ખોડિયારનગર ચારરસ્તા પાસે અમરનગર-૦૨માં માતાજીને વળાવવાની વિધિમાં દેવીપુજક સહિત અને સમાજના સ્ત્રી-પુરુષોના હજારોના ટોળેટોળા વાહનો સાથે રોડ પર ઉમટી પડ્યા હતા. માસ્ક વિના તેમજ ધક્કામુક્કી સાથે ઉમટી પડેલા ટોળાના દ્રશ્યો સોશ્યલ મિડિયામાં વાયરલ થતાં પોલીસ કમિશ્નરના જાહેરનામાના ધજાગરા ઉડ્યા હતા.

આ દરમિયાન હજારોનો ટોળા ભેગા થયાની જાણ થતાં જ સફાળી જાગેલી વારસિયા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી પરંતું ત્યાં સુધી તો જે ધાર્મિક વિધિ પુરી થઈ ગઈ હતી અને ટોળું પણ વિખેરવાની શરૂઆત થઈ હતી. જાેકે તેમ છતા પોલીસે ટોળામાં માસ્ક વિના અને સોશ્યલ ડિસ્ટન્સીંગનો ભંગ કરતા ઝડપાયેલા અમરનગર-૦૨માં રહેતા કાંતિભાઈ જુહાભાઈ વાઘેલાની અટકાયત કરી હતી.

આ ટોળું કેવી રીતે અને કેમ ભેગુ થયું તેની પોલીસે કાંતિભાઈ વાઘેલાની પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે મારી પુત્રી લતાબેને ચાણસમાંથી માતા મુકેલી હતી જે માતાને લેવા માટે ચાણસમાંથી ભુવા નરોત્તમ નટવરભાઈ વાઘેલા અને બીજા માણસોનું ટોળું અત્રે આવ્યા હતા. દરમિયાન માતાજીને વળાવવાની વિધીમાં ભુવા આવ્યા હોવાની જાણ થતાં દેવીપૂજક સહિત અન્ય સમાજના સ્ત્રીપુરુષોનું ટોળું જાતે ભેગુ થયું હતુ અને ટોળામાં કોણ કોણ હતા તેઓના નામ-સરનામાની જાણ નથી. માતાજી વળાવવાની વિધિ માટે કાંતિભાઈ કે તેમની પુત્રી લતાબેને કોઈ મંજુરી મેળવી ન હોઈ વારસિયા પોલીસે આ બનાવમાં ૮૦૦થી ૧૦૦૦ના ટોળાં સામે ફરિયાદ નોંધી હતી અને ઘટનાસ્થળેથી ૨૦ મહિલાઓ સહિત કુલ ૫૭ વ્યકિતઓની અટકાયત કરી હતી. આ બનાવમાં પોલીસે જેના કારણે ટોળું ભેગુ થયું હતું તે ભુવા નરોત્તમ વાઘેલાનો વોન્ટેડ જાહેર કર્યા હતા.

શહેર પોલીસ તંત્ર અને આઈબી ઉંઘતું ઝડપાયું

ન્યુવીઆઈપીરોડ પર અમરનગરમાં આજે સવારે ધાર્મિકવિધિમાં બહારગામથી ભુવા સહિતનું ટોળું આવશે અને તેઓના કારણે હજારોની ભીડ જાહેરમાર્ગ પર ઉમટી પડશે જેની વારસિયા જ નહી પરંતું સમગ્ર પોલીસ તંત્ર તેમજ રાજ્ય સરકાર અને વહીવટી તંત્રને વારંવાર બાતમી આપીને એલર્ટ કરતી આઈબી વિભાગને કોઈ જ માહિતી નહી મળતાં પોલીસ અને આઈબી તંત્ર આ બનાવમાં ઉંઘતુ ઝડપાયું હતું.

કોરોનાના ડર વિના પોલીસ સાથે ખેંચતાણ કરતાં ઘર્ષણ

હજારોના ટોળા ભેગા થયાની જાણ થતાં ગણતરીની સંખ્યામાં વારસિયા પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો જયાં એક તબક્કે ઢોલ, ડમરુના તાલે એક યુવક ઘુણતો હતો જેથી પોલીસને પણ ટોળાને વિખેરવામાં મુંઝવણ ઉભી થઈ હતી. પોલીસે ઘટનાસ્થળેથી ટોળાંને વિખેરવા તેમજ કેટલાકની અટકાયતની શરૂઆત કરતા માસ્ક વિના ભેગા થયેલા ટોળાએ કોરોનાના ડર વિના જ પોલીસ જવાનો સાથે પણ ઉગ્ર બોલાચાલી કરી તેઓને રવાના થવા માટે ખેંચતાણ કરતા પોલીસ અને ટોળા વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.