દુબઇ-

સઉદી અરબના ક્રાઉન પ્રિન્સ સલમાને શુક્રવારે કોરોનાની વેક્સીન લીધી. શુક્રવારે તેમને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. સઉદી અરબના સ્વાસ્થ્ય મંત્રાલયે ક્રાઉન પ્રિન્સની તસ્વીર અને વીડિયો શેર કર્યા છે. સઉદી અરબમાં ગત મંગળવારે જ કોરોના રસીકરણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

સઉદી અરબના સ્વાસ્થ્ય મંત્રી તવફિક અલ રાબિયાએ ક્રાઉન પ્રિન્સની આ પહેલ માટે આભાર વ્યક્ત કર્યો હતો. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, ક્રાઉન પ્રિન્સ વેક્સીનેશન કાર્યક્રમને લઈ ઘણા ઉત્સુક રહ્યા અને આ વિશે મંત્રાલય પાસેથી સતત જાણકારી લેતા રહ્યા, જેથી સઉદી અરબના નાગરિકોને કોરોનાની સર્વોત્તમ રસી અપાઇ શકે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં પ્રિન્સ સલમાન રસી લેતાં જાેવા મળી રહ્યા છે. વેક્સીન લગાવ્યા બાદ ડૉક્ટરોની એક ટીમ તેમના પર નજર રાખી રહી છે. 

સઉદી અરબમાં કોરોનાની વેક્સીન લેવા માટે 3 દિવસમાં 5 લાખ લોકો રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, સરકારે સઉદી અરબના નાગરિકોનો રેકોર્ડ ટાઈમમાં સુરક્ષિત અને આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત રસી ઉપલબ્ધ કરાવવા માટે સતત કામ કર્યું છે.