વડોદરા : શહેરના વાડી વિસ્તારમાં રહેતો યુવકનું ગઈ કાલે સવારે કપુરાઈ પાસેની કેનાલમાં ન્હાવા માટે પડ્યા બાદ ડુબી જતા મોત નીપજ્યું હતું. ફાયર ફાયટરોએ લાશને કેનાલના નાળાની જાળીમાંથી બહાર કાઢતા વરણામા પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી હતી. જાેકે સયાજી હોસ્પિટલના ફોરેન્સીક વિભાગના ડોક્ટરોએ આજે સવારે હદનો વિવાદ ઉભો કરી પોસ્ટમોર્ટમ કરવાનો ઈનકાર કરતા મૃતકના પરિવારજનો રોષે ભરાયા હતા અને આ અંગેની વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને ફરિયાદ કરતા આખરે તેમની સુચના બાદ લાશનું પોસ્ટમોર્ટમ કરાયું હતું.

વાડી વિસ્તારના કુંભારવાડામાં રહેતો ૩૦ વર્ષીય કલ્પેશ વિજયભાઈ દિઘે વ્યવસાયે ઈલેકટ્રીશ્યન હતો. દોઢેક વર્ષ અગાઉ દામ્પત્યજીવનમાં તકરાર હોઈ તેણે છુટાછેડા લીધા હતા. ગઈ કાલે સવારે આઠેક વાગે તે ઘરેથી બાઈક પર નીકળ્યા બાદ તે શહેરના છેવાડે કપુરાઈ પાસેની કેનાલના કિનારે બાઈક પાર્ક કરી તેમજ બુટ અને કપડાં કાઢીને કેનાલમાં ન્હાવા પડ્યો હતો. જાેકે પાણીના વ્હેણ અને કેનાલની ઉંડાણનો ખ્યાલ ન હોઈ તે ન્હાતી વખતે કેનાલની અંદર ખેંચાઈ જતા ડુબી ગયો હતો. ચારેક કલાક સુધી કેનાલ પાસે બાઈક અને કપડાં પડી રહેલા જાેતા રાહદારીઓએ આ અંગેની વરણામા પોલીસને કેનાલમાં કોઈ વ્યકિત ડુબી હોવાની જાણ કરી હતી.

આ જાણકારીના પગલે કપુરાઈ આઉટપોસ્ટના જમાદાર શૈલેન્દ્રસિંહ ઝાલા સહિતના સ્ટાફે ઘટનાસ્થળે દોડી આવી લાશને શોધવા માટે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. લાશ્કરોએ ભારે જહેમત બાદ કેનાલના નાળાની જાળીમાં ફસાયેલા કલ્પેશના મૃતદેહને બહાર કાઢ્યો હતો. કલ્પેશની ઓળખ છતી થતાં પોલીસે કલ્પેશના પરિવારજનોને આ બનાવની જાણ કરી લાશને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડી હતી. સાંજ થઈ જતા કલ્પેશની લાશને કોલ્ડરૂમમાં મુકવામાં આવી હત. આજે સવારે વરણામા પોલીસ પોસ્ટમોર્ટમની કાર્યવાહી માટે તેમજ કલ્પેશના પરિવારજનો લાશ લેવા માટે આવી પહોંચ્યા હતા.

જાેકે પોલીસના કાગળો જાેતા જ પોસ્ટમોર્ટમ વિભાગના ડો.વિજયે આ લાશ વરણામા પોલીસ મથકની હદમાંથી મળી છે માટે તેને વરણામા પીએચસી ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જાવ તેમ કહી હદનો વિવાદ ઉભો કર્યો હતો. જાેકે પોલીસે આ લાશ વડોદરા કોર્પોરેશનના વોર્ડ-૧૬ની હદમાંથી મળી છે અને કપુરાઈ કે વરણામા પીએચસીના ડોક્ટરોએ ખાત્રી કર્યા બાદ પોસ્ટમોર્ટમ કરવાની ના પાડી છે તેમ સમજાવી પોસ્ટમોર્ટમ કાર્યવાહી પુરી કરવા વિનંતી કરી હતી. વારંવાર વિનંતી બાદ પણ ડોક્ટરો તેઓ પોસ્ટમોર્ટમ તો નહી જ કરે તેમ જણાવી લાશને વરણામા લઈ જાવ નહી તો વરણામા કે કેલનપુરના ડોક્ટરોને પોસ્ટમોર્ટમ માટે અહીં બોલાવો તેમ કહી નફ્ફટાઈપુર્વક હાથ ઉંચા કર્યા હતા.

મોતના બનાવમાં પણ માનવતા નેવે મુકીને ડોક્ટરોએ પોસ્ટમોર્ટમનો ઈનકાર કરતા આ મામલો ફોરેન્સીક વિભાગના વડા પાસે પહોંચ્યો હતો પરંતું તેમણે પણ ડોક્ટરો પર દોષારોપણ કરી હાથ ખંખેરવાનો પ્રયાસ કર્યો હતો. પોસ્ટમોર્ટમ માટે ડોક્ટરો હદનો વિવાદ ઉભો કરી મોડંુ કરતા હોઈ મૃતકના પરિવારજનો ઉશ્કેરાયા હતા અને તેમણે સમગ્ર બનાવની રાવપુરાના ધારાસભ્ય તેમજ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીનો સંપર્ક કરી તેમને સમગ્ર વિગતો જણાવી હતી. આખરે ગાંધીનગરથી મળેલી કડક સુચના બાદ ડોક્ટરોએ પોસ્ટમોર્ટમ કરી લાશ પરિવારજનોને સોંપતા મામલો થાળે પડ્યો હતો. ધરતી પરના ભગવાના મનાતા ડોક્ટરોનું આવુ બીજુ સ્વરૂપ જાેઈને પોલીસ અને મૃતકના પરિવારનોને ભારે આઘાત લાગ્યો હતો અને તેઓએ ડોક્ટરની કરતુતો પર ફીટકાર વરસાવ્યો હતો.

કલ્પેશની હત્યા કરાઈ હોવાનો પરિવારજનોનો સીધો આક્ષેપ

મળતી વિગતો મુજબ કલ્પેશ દીઘેને છેલ્લા કેટલાક સમયથી દારૂ પીવાની ટેવ હતી. ગત ગણેશોત્સવ દરમિયાન તેનો તેના વિસ્તારની એક મહિલા બુટલેગર અને તેના પતિ સાથે બોલાચાલી બાદ ઉગ્ર ઝઘડો થયો હતો જેમાં આ દંપતીએ ધમકી ઉચ્ચારી હતી. જાેકે ગઈ કાલે સવારે આઠ વાગે ઘરે કોઈને જાણ કર્યા વિના નીકળી ગયા ભેદી સંજાેગોમાં કલ્પેશ ગુમ થયો હતો અને ત્યારબાદ તેની લાશ મળતા પરિવારજનોએ કલ્પેશની હત્યા કરાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. આ બનાવના તપાસ અધીકારી શૈલેન્દ્રસિંહે જણાવ્યું હતું કે લાશ પર કોઈ જ ઈજાના નિશાન નથી તેમ છતાં હત્યાનો આક્ષેપ હોઈ પોલીસે વિસેરા સહિત અન્ય નમુના લેવડાવી તે ગાંધીનગર ખાતે એફએસએલમાં મોકલી આપ્યા છે.