ગાંધીનગર, અમદાવાદમાં રથયાત્રા કાઢવા અંગે ચાલી રહેલી અટકળોનો આજે આખરે અંત આવી ગયો છે. જેમાં ગુજરાત સરકાર દ્વારા શરતોને આધીન રહીને અને કર્ફ્‌યૂના પાલન સાથે અમદાવાદમાં રથયાત્રા કાઢવા માટેની મંજૂરી આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયેલા વિવિધ નિયમોના પાલન સાથે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. અમદાવાદ સહિત રાજ્યમાં ફરી કોરોનાનું સંક્રમણનું પ્રસરણ ન થાય તે માટે રથયાત્રા દરમિયાન વિવિધ નિયમોનું પાલન કરવાનુ રહેશે તેવી માહિતી ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા આપવામાં આવી હતી. આ સાથે જ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના અન્ય શહેરોમાં નિકળનારી તમામ રથયાત્રાઓને સરકારે જાહેર કરેલ આ નિયમો લાગુ પડશે. ગૃહ રાજ્ય મંત્રી જાડેજાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, કોર્ટના આદેશોને અનુસરીને ગત વર્ષે રથયાત્રા કાઢી શક્યા ન હતા. પરંતુ આ વખતે કોરોનાની સ્થિતિને જાેતા તેનો રિકવરી રેટ ૯૮.૫૪ ટકાનો થયો છે. ગઈકાલે બુધવારે રાજ્યમાં કોરોનાના કારણે એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. જ્યારે કેસોની સંખ્યા પણ બિલકુલ ઘટી ગઈ છે. આ તમામ પરિસ્થિતિનો અભ્યાસ કરીને કોરોનાના પ્રોટોકોલની જાળવણી સાથે જ અમદાવાદ સહિત રાજ્યમાં રથયાત્રા નીકળશે. આ રથયાત્રામાં કોરોનાની મહામારીનો વ્યાપ ન વધે તેનું ધ્યાન રાખવામાં આવશે. લોકોની શ્રદ્ધા અને આસ્થા વચ્ચે પ્રોટોકોલના પાલન સાથે રથયાત્રા નીકળશે.જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના ગાઈડલાઈનના ચુસ્ત પાલન સાથે જગન્નાથની રથયાત્રા નીકળશે. અમદાવાદમાં આ વર્ષે ૧૪૪ મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. આ માટે રથયાત્રાના સમગ્ર રૂટ પર કર્ફ્‌યૂ લગાવવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભગવાન જગન્નાથજીની મંગળા આરતીમાં હાજર રહેશે. જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રથયાત્રાની પહિંદવિધિમાં હાજરી આપશે. પહિંદવિધિ થયા બાદ કોવિડ પ્રોટોકોલ સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રા શહેરમાં નગરચર્યાએ નીકળશે, જેમાં દર્શનાર્થીઓને પ્રવેશ આપવામાં નહિ આવે. રથયાત્રામાં ફક્ત પાંચ વાહનોને જ જાેડવા માટેની પરવાનગી આપવામાં આવી છે. આ સાથે જ આ વર્ષે રથયાત્રામાં આ વખતે પ્રસાદનું વિતરણ પણ કરવામાં નહિ આવે.