વડોદરા : ફતેગંજ પોલીસ મથકમાં વૃધ્ધ શંકાસ્પદ આરોપી શેખ બાબુને ક્રુરતાપુર્વક માર મારીને તેની નિર્મમ હત્યા કર્યા બાદ તેની લાશને સગેવગે કરી દેવાના પાપમાં બહુવગોવાયેલી વડોદરા પોલીસ ફરી આવા જ પ્રકારના વધુ એક વિવાદમાં સપડાઈ છે. ગત મધરાત્રે બાજવામાં પાડોશીઓ વચ્ચેની તકરારમાં જવાહરનગર પોલીસ મથકમાં લવાયેલા ૪૦ વર્ષીય યુવકની અટકાયત કર્યાના ગણતરીના કલાકમાં જ તબિયત લથડતા તેનું મોત નીપજ્યું હતું. જાેકે કસ્ટોડિયલ ડેથના બનાવના પગલે પોલીસ ઉચ્ચાધિકારીઓ દોડતા થયા હતા અને પોલીસે લાશનું સયાજી હોસ્પિટલમાં પેનલ પોસ્ટમોર્ટમ કરાવી લાશને મોડી સાંજે પરિવારજનોને સોંપી દીધા બાદ આ મામલે ભેદી મૈાન સેવી કુલડીમાં ગોળ ભાંગવાનો શરમજનક પ્રયાસ કર્યો હતો.

ફતેગંજ પોલીસ મથકમાં બે વર્ષ અગાઉ શેખ બાબુ નામના શંકાસ્પદ આરોપીને માર મારી તેની હત્યા કરાયા બાદ ફતેગંજ પોલીસે તેની લાશને સગેવગે કરી દીધી છે અને લાશ હજુ સુધી મળી નથી જયારે આ બનાવમાં ફતેગંજ પોલીસ મથકના પીઆઈ સહિત છ કર્મચારીઓ જેલવાસ ભોગવી રહ્યા છે. જાેકે આ ઘટના બાદ ગત રાત્રે વધુ એક વખત શહેર પોલીસની આબરુની લીલામ કરતો બનાવ બન્યો હતો. ગત રાત્રે અઢી વાગે બાજવા વિસ્તારમાં રહેતા પાડોશીઓ વચ્ચે તકરાર થઈ હતી જે અંગેની જવાહરનગર પોલીસને જાણ કરાતા પોલીસે બંને પક્ષો પૈકીના ૪૦ વર્ષીય જમીન દલાલ મહેશ ઉર્ફ મહેન્દ્ર સોમાભાઈ પઢીયાર (જલારામનગર, કરચિયારોડ, બાજવા ગામ ) અને સામાવાળા મહેશ પંચાલને પોલીસ મથકમાં લઈ આવી હતી જયાં મહેશ પંચાલની અરજીના પગલે પોલીસે મહેશ પઢીયારની ૧૫૧ હેઠળ અટકાયત કરી તેને જવાહરનગર પોલીસ મથકના લોકઅપમાં પુર્યો હતો.

દરમિયાન સવારે સાડા ચાર વાગે મહેન્દ્ર પઢીયારની અચાનક તબિયત લથડી હતી અને તેણે ગભરામણની ફરિયાદ કરતા તેને તુરંત પોલીસની પીસીઆર વાનમાં બાજવા પીએચસી ખાતે ખસેડાયો હતો જયાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવની પોલીસે મહેન્દ્ર પઢીયારના પરિવારજનોને ફોન કરીને જાણ કરી હતી કે મહેન્દ્રને એટેક આવ્યો છે અને તેનું બાજવા પીએચસીમાં લાવતા મોત નીપજ્યું છે. ત્રણ ચાર કલાક અગાઉ એકદમ સ્વસ્થ એવા મહેન્દ્રના અચાનક ભેદી મોતની જાણ થતાં જ પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા અને તેઓ ઉશ્કેરાટ સાથે બાજવા પીએચસી ખાતે દોડી ગયા હતા. બીજીતરફ જવાહરનગર પોલીસ મથકમાં કસ્ટોડિયલ ડેથના બનાવની જાણ થતાં જ પોલીસ બેડામાં દોડધામ મચી હતી અને પોલીસ ઉચ્ચાધિકારીઓ પણ જવાહરનગર પોલીસ મથકમાં દોડી ગયા હતા અને ત્યારબાદ મહેન્દ્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જાેકે પોલીસ અધિકારીઓએ આબરુ જવાની બીક હોય તેમ આ વખતે કસ્ટોડિયલ ડેથના બનાવમાં માધ્યમોથી સતત અંતર જાળવી કુંડળીમાં ગોળ ભાંગવાનો પ્રયાસ કર્યો હતો . મોડી સાંજે મહેન્દ્રનું વિડીઓગ્રાફી સાથે પેનલ પોસ્ટમોર્ટમ કરાયું હતું પરંતું તેમાં મોતનું ચોક્કસ કારણ અંગે પોસ્ટમોર્ટમ કરનાર તબીબો અને પોલીસ અધિકારીઓએ સંપુર્ણપણે ગુપ્તતા સેવી હતી અને ત્યારબાદ મહેન્દ્રના મૃતદેહને મોડી સાંજે જ તેના પરિવારજનોને સોંપી દીધો હતો જેથી પરિવારજનો મૃતદેહ લઈને ઘરે રવાના થયા હતા. પરિવારજનોએ મહેન્દ્રને પોલીસે માર મારતા તેનું મોત નીપજ્યું છે તેવો આક્ષેપ કરતા ચકચાર મચી હતી. જાેકે પોલીસ અધિકારીઓ દ્વારા આ બાબતે કોઈ પ્રતિક્રિયા નહી અપાતા પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ સાચી વિગતો સપાટી પર આવશે તેમ સુત્રોએ જણાવ્યું હતું. એવું તો શું કારણ છે કે કમિ, ડીસીપી અને એસીપીએ મોઢુ સીવી લીધુ ?

મહેન્દ્ર પઢિયારના કસ્ટોડીયલ ડેથના બનાવની શહેર પોલીસ કમિશ્નર દ્વારા આ બનાવની બી ડિવિઝનના એસીપી બકુલ ચૈાધરીને તપાસ સોંપાતા એસીપી ચૈાધરીએ જવાહરનગર પોલીસ મથક અને લોકઅપની મુલાકાત લઈ પોલીસ મથકમાં લોકઅપ રજીસ્ટર અને અન્ય સંબંધિત દસ્તાવેજાે તપાસઅર્થે કબજે કર્યા હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. જાેકે આ બનાવમાં સાચી હકીકત શું છે તેવી જાણ માટે માધ્યમો દ્વારા પુછપરછ શરૂ થઈ હતી પરંતું શહેર પોલીસ કમિશ્નર સમશેરસિંઘ, ડીસીપી મેધાણી અને એસીપી બકુલ ચૈાધરીએ ભેદી મૈાન સેવી લઈ ફોન રિસિવ કરવાનું ટાળ્યું હતું. ફતેગંજ પોલીસ મથકના કસ્ટોડિયલ ડેથના બનાવ બાદ પોલીસ ઉચ્ચાધિકારીઓને આ બનાવમાં પણ શહેર પોલીસ તંત્ર પર માછલા ધોવાશે તેવી જાણ થઈ હતી અને તેના કારણે જ પોલીસ અધિકારીઓએ મોઢુ સીવી લીધુ હશે તેમ જાણકારોનું માનવુ છે.

છાતીના ભાગે દંડા મારતા મહેન્દ્રનું મોત થયાનો આક્ષેપ

મહેન્દ્ર પઢીયારનો મૃતદેહ સયાજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડાતા તેના પરિવારજનો રોક્કળ મચાવતા ત્યાં આવી પહોંચ્યા હતા. આ પૈકી મહેન્દ્ર પઢીયારના સંબંધી જયંતિભાઈએ માધ્યમો સમક્ષ ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો કે મારા ફુઆ મહેન્દ્રને પોલીસે છાતીના ભાગે દંડા માર્યા હતા અને તેમના છાતીના ભાગે ઈજાના નિશાનો છે જેના ફોટા મારી પાસે છે. મારા ફુઆનું પોલીસે માર મારતા મોત નીપજ્યું છે અને પોલીસે તેમની હત્યા કરી છે. આ બાબતે અમે પોલીસ કમિશ્નરને નિવેદન કરીયે છે કે આ બનાવની તપાસ કરી અમને ન્યાય અપાવે.

ફતેગંજ અને મુંદ્રા પોલીસ મથક બાદ વધુ એક વાર રાજ્ય પોલીસની છબિ ફરી ખરડાઈ

વડોદરાના ફતેગંજ પોલીસ મથકમાં તેમજ કચ્છના મુંદ્રા પોલીસ મથકમાં ચોરીની તપાસ માટે શંકાસ્પદ આરોપીઓને પોલીસે માર મારીને હત્યા કરવાના બનાવથી ગુજરાત પોલીસની છબિ રાષ્ટ્રીયસ્તરે ખરડાઈ છે. મુંદ્રા પોલીસ મથકમાં બે આરોપીઓના મોત નીપજવાની ઘટના વચ્ચે જવાહરનગર પોલીસ મથકમાં વધુ એક કસ્ટોડિયલ ડેથના બનાવ બનતા આ બનાવની રાજ્યના ગૃહ મંત્રાલય દ્વારા પણ ગંભીર નોંધ લેવાઈ હોવાનું સુત્રોએ જણાવ્યું છે.

લગ્નેત્તર સંબંધોના કારણે મોડી રાત્રે પાડોશીઓ બાખડેલા

મહેન્દ્ર પઢીયારના કસ્ટોડિયલ ડેથના બનાવ અંગે જવાહરનગર પોલીસે જણાવ્યું હતું કે પાડોશીઓ વચ્ચે લગ્નેત્તર સંબંધોના આક્ષેપોના મુદ્દે અગાઉ પણ બોલાચાલી તકરાર થઈ હતી. દરમિયાન ગત મોડી રાત્રે મહેન્દ્ર પઢીયાર પાડોશીના ઘર પાસે હોવાના મુદ્દે પાડોશીઓ વચ્ચે ઝઘડો થયો હતો અને પોલીસને સંભવિત તસ્કર ઝડપાયો હોવાની વિગતો મળતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને પક્ષોના આક્ષેપોની પ્રાથમિક માહિતી મેળવી તે બંને પક્ષોને પોલીસ મથકે લાવી હતી અને મહેશ પંચાલની અરજીના પગલે મહેન્દ્રની ૧૫૧ હેઠળ અટકાયત કરી હતી.

પોલીસે પોસ્ટમોર્ટમ પહેલાં જ કહી દીધું હાર્ટએટેક આવ્યો છે

મહેન્દ્ર પઢીયારને ગભરામણ થતાં તેને બેભાનવસ્થામાં બાજવા પીએચસી સેન્ટરમાં ખસેડાયો હતો અને તેને મૃત જાહેર કરાતા જ પોલીસે પરીવારજનોને સીધી એવી જાણ કરી હતી કે તેને હાર્ટએટેક આવ્યો છે. બાજવા પીએચસી સેન્ટરમાં હાર્ટએટેક જેવા કિસ્સામાં સારવારની સુવિધા નહી હોવાની સામાન્ય જાણકારી પોલીસને હોવા છતાં પોલીસ શા માટે મહેન્દ્રને સયાજી હોસ્પિટલના બદલે બાજવા પીએચસી સેન્ટરમાં લઈ ગઈ ? અને પોસ્ટમોર્ટમ પહેલા જ હાર્ટએટેક આવ્યો છે તેવી પરિવારજનોને શા માટે જાણ કરી ? આ તમામ પ્રશ્નો જવાહરનગર પોલીસ સામે શંકા ઉભી કરી રહ્યા છે.