વડોદરા : સાયબર સિક્યુરિટીના નિષ્ણાત ગણાતા શહેર પોલીસ કમિશનર સમશેરસિંગનું નકલી ફેસબુક એકાઉન્ટ બનાવી રૂપિયાની માગણી કરાતી હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. ખુદ પોલીસ કમિશનરે એમના ઓફિશિયલી એકાઉન્ટ ઉપરથી સાંજે ૭ વાગે જાહેરાત કરવી પડી હતી કે કેટલાક ગુનેગારોએ મારા ફોટાનો દુરુપયોગ કરી નકલી ફેસબુક એકાઉન્ટ બનાવ્યું છે. એ એકાઉન્ટ તરફથી આવતી ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારવી નહીં, પરંતુ એ પહેલાં કેટલાય લોકોએ હજારો રૂપિયાની રકમ હેકરોને આપી ચૂકયા હોવાનું બહાર આવ્યું છે.

હેકરો દ્વારા શહેર પોલીસને પડકાર ફેંકતા હોય એમ ખુદ પોલીસ કમિશનરનું ફેસબુક એકાઉન્ટ હેક કરી નાખ્યું હતું. મહત્ત્વની વાત તો એ છે કે ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ટેકનોલોજીથી પીએચડી થયેલા અને સોશિયલ મીડિયા વિષય ઉપર બેંગલુરુથી શિક્ષણ મેળવી ચૂકેલા ડો. સમશેરસિંગે પ્રોફાઈલમાં જાહેર કર્યું હોવા છતાં હેકરોએ પોલીસ કમિશનરનું એકાઉન્ટ હેક કરવાની હિંમત દર્શાવી છે. બીજી તરફ ખુદ પોલીસ કમિશનરે એમના ઓફિશિયલી એકાઉન્ટ ઉપરથી એમના ફોટાવાળા એકાઉન્ટથી ફ્રેન્ડ રિકવેસ્ટ આવે તો સ્વીકારવી નહીં એવી અપીલ કરવી પડી હતી. પરંતુ સાયબર સિકયુરિટી નિષ્ણાતનું જ એકાઉન્ટ હેક થતાં શહેરીજનોમાં આશ્ચર્ય ફેલાયું હતું.

દિવસે ને દિવસે સાયબર માફિયાઓ બેખૌફ બની અનેક આઈપીએસ, પોલીસ અધિકારીઓના ફોટા અને નામનો ઉપયોગ કરી ફેસબુક પર ફેંક એકાઉન્ટ બનાવી રૂપિયા પડાવી રહ્યા છે. જાે કે, આ સમસ્યામાંથી નેતાઓ પણ બાકાત રહ્યા નથી. તાજેતરમાં જ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ફેન ક્લબના ફેંક એકાઉન્ટ બનાવી રૂપિયાની માગણી કરવામાં આવી હોવાનો પોલીસના ચોપડે નોંધાતાં બે શખ્સોને હરિયણાથી ઝડપી પાડવામાં આવ્યા હતા, તેવામાં હવે સાયબર માફિયા ટોળકીએ શહેર પોલીસ કમિશનર સમશેરસિંગના નામે અને ફોટાનો ઉપયોગ કરી ફેંક પ્રોફાઈલ બનાવી છે. જાે કે, આ બાબત પોલીસ કમિશનરનું એકાઉન્ટ ધ્યાને આવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

જાણીતી વ્યક્તિના ફેંક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવીને પૈસા પડાવવાનું કૌભાંડ છેલ્લાં કેટલાંય સમયથી ચાલી રહ્યું છે. તાજેતરમાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ફેન ક્લબના નામે ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું. એકાઉન્ટમાં જાેડાયેલા લોકો પાસેથી ઓનલાઈન ટ્રાન્ઝેકશન મારફતે પૈસા માગવાનો પ્રયાસ કરાયો હતો. જાે કે, વડોદરા સાયબર ક્રાઈમે ગઠિયાઓને ગણતરીના કલાકોમાં જ હરિયાણાથી ઝડપી પાડયા હતા. ત્યાર બાદ એમ.એસ.યુનિ.ના નોટિફિકેશનને મોડીફાય કરીને છોકરીઓએ ૭ ફેબ્રુઆરી પહેલાં બોયફ્રેન્ડ બનાવી લેવાનું પોસ્ટર વાયરલ થયું હતું, આ મામલે હાલ પોલીસ

તપાસ ચાલુ છે. દરમિયાન શનિવારે શહેર પોલીસ કમિશનર ડો. સમશેરસિંગનું ફેંક ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું. એકાઉન્ટમાં પોતાનું નામ સમશેરસિંગ જણાવી શહેર પોલીસ કમિશનરનો ફોટો પ્રોફાઈલમાં મુકવામાં આવ્યો હતો. જાે કે, વાતની જાણ થતાં પોલીસતંત્ર હરકતમાં આવ્યું હતું અને પોલીસ કમિશનરનું ફેંક એકાઉન્ટ ડિએક્ટિવેટ કરવા અને ફેંક એકાઉન્ટ બનાવનારને ઝડપી પાડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.

શહેર પોલીસ કમિશનર ડો. સમશેરસિંગે પોતાના સાચા ફેસબુક એકાઉન્ટ પર આ મામલે એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, અજાણ્યા શખ્સોએ ફેસબુક પર મારા ફોટાનો ઉપયોગ કરી ફેંક એકાઉન્ટ બનાવ્યું છે. કોઈ ફ્રેન્ડ રિકવેસ્ટ નહીં સ્વીકારવા વિનંતી. પોલીસ કમિશનરની આ પોસ્ટ બાદ લોકોએ તેમની નિખાલસતાની સરાહના કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ રાજકોટ રેન્જ આઈજી સંદીપસિંહનું પણ ફેસબુક એકાઉન્ટ હેક કરી રૂપિયાની માગણી કરાતાં ઘણાં લોકો છેતરાયા હતા, આ મામલાની તપાસ હજુ ચાલુ જ છે.

ગણતરીના સમયમાં જ હજારો રૂપિયા એકઠા કરી લેવાયા

પોલીસ કમિશનર સમશેરસિંગનું એકાઉન્ટ હેક કરનારાઓએ ફોન નં.૮૮૦૨૮૮૧૨૪૧ નંબર મોકલી આ નંબર ઉપર રૂપિયાની માગણી કરી હતી. ગણતરીના સમયમાં જ ગૌતમ કુમાવતે માગણી સમશેરસિંગની જ હોવાનું માની રર હજાર રૂપિયા મોકલી દીધા હતા, જ્યારે રિઝવાન સૈયદ પાસે ૩૭૦૦ રૂપિયાની માગ કરવામાં આવી હતી. હજુ તો અનેક લોકો છેતરાયા હોવાનું બહાર આવી શકે છે.