ગામધીનગર-

રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્ય પર સાયક્લોનિક સર્ક્યૂલેશન સર્જાતા આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલીક જગ્યાએ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.

24 કલાકમાં ગુજરાતના 245 તાલુકામાં મધ્યમથી અતિભારે વરસાદ પડ્યો છે. જેમાંથી 21 તાલુકામાં 4 ઇંચથી 12 ઇંચ સુધી વરસાદ ખાબક્યો છે. જ્યારે 65 તાલુકામાં 2 થી 3.8 ઇંચ અને 55 તાલુકામાં 1થી 2 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં સૌથી વધુ વરસાદ આણંદમાં 12.5 ઇંચ અને સુરતના ઉમરપાડામાં 12 ઇંચ નોંધાયો છે. ગઈકાલે આણંદ અને ખેડા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે.આણંદ તાલુકામાં સૌથી વધુ વરસાદ 12.5 ઇંચ પડ્યો છે. ઉપરાંત બોરસદ, પેટલાદ, આંકલાવ, ખંભાત, સોજિત્રા, તારાપુરમાં ધોધમાર વરસાદ નોંધાયો છે.ખેડા જિલ્લાની વાત કરીએ તો નડિયાદમાં 7.8 ઇંચ વરસાદ પડ્યો છે. 

ભારે વરસાદનું કારણ જાણીએ તો રાજ્યમાં સાઇક્લોન સર્ક્યુલેશન સક્રિય છે અને હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. શુક્રવારે સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં રાજ્યના 182 તાલુકામાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો છે. જેમાં 20 તાલુકામાં 2થી 7.4 ઇંચ સુધી જ્યારે 54 તાલુકામાં 1થી 2 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. ભારે વરસાદથી ચારે તરફ જળબંબાકારની સ્થિતી છે. જો કે આ વરસાદ ખેતી માટે લાભદાયક છે.