ભુવનેશ્વર-

પશ્ચિમ કાંઠે ગંભીર સાઈક્લોન તૌકતે આવ્યા પછી અન્ય એક સાઈક્લોન 'યાસ' 26-27 મેના રોજ ભારતના પૂર્વ તટ પર પહોંચવાનું અનુમાન છે. ભારતીય હવામાન વિભાગે બુધવારે જણાવ્યું હતું કે 22 મેના રોજ ઉત્તર અંદમાન સમુદ્ર અને પૂર્વ મધ્ય બંગાળ ઉપર નીચા દબાણવાળા ક્ષેત્રની રચના થવાની સંભાવના છે, જે ત્યારબાદના 72 કલાકમાં ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે. હવામાન વિભાગના ચક્રવાત ચેતવણી વિભાગે જણાવ્યું હતું કે, તે ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી શકે છે અને 26 મેની સાંજ સુધીમાં પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠે પહોંચી શકે છે. વિભાગ અનુસાર, ચક્રવાતને કારણે પશ્ચિમ બંગાળ, ઓડિશા, આસામ અને મેઘાલયમાં 25 મેથી હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ પછી વરસાદ વધુ તીવ્ર બનશે. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ સાઈક્લોન 'યાસ' ને લઈને એક વધારે એલર્ટ જાહેર કર્યું છે. આ સાઈક્લોન ભારતના પૂર્વ તટ પર 26-27 મેના રોજ પહોંચવાની સંભાવના છે. આ પહેલા ઓડિશામાં 25 મેથી વરસાદ થવાનું અનુમાન છે.