વડોદરા : વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ અશ્વિન પટેલ કોયલીવાળા દ્વારા એક મહત્વનું હિંમતભર્યું પગલું લઈને જિલ્લામાં પક્ષ વિરોધી પ્રવૃતિઓ કરનાર ડભોઈના પૂર્વ ધારાસભ્ય અને ચાંદોદના તાલુકા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા, પાદરા નગરના ઉપપ્રમુખ, જિલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રી, પાદરા નગર યુવા મોરચાના મંત્રી સહીત ૨૫ને સસ્પેન્ડ કર્યા છે. આ બરતરફ કરાયેલાઓમાં વાઘોડીયાના ૯, ડભોઈના એક, ડભોઇ નગરના ૭,પાદરા નગરના પાંચ,વડોદરાના બે અને કરજણના એક મળીને ૨૫ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એકાએક લેવાયેલા કડક પગલાને લઈને પક્ષમાં સન્નાટો મચી જવા પામ્યો છે

વાઘોડિયામાંથી સૌથી વધુ નવ બળવાખોર સસ્પેન્ડ

વાઘોડિયા વિસ્તારમાંથી જિલ્લા ભાજપ પ્રમુખે સૌથી વિશેષ નવ જણાને સસ્પેન્ડ કર્યા છે. જેમાં એક સક્રિય સભ્ય મયુદ્દીનભાઈ યુસુફભાઇ પટેલ અને આઠ પ્રાથમિક સભ્યોનો સમાવેશ થાય છે. જેમાં દિલીપભાઈ બલવંતસિંહ ચૌહાણ, જયેશભાઇ શંકરસિંહ રબારી, હરિદત્તસિંહ ચૌહાણ, હરિકૃષ્ણભાઈ પ્રવીણભાઈ પટેલ, દિલીપસિંહ ચંદ્રસિંહ પરમાર, વજુભાઇ હિમ્મતભાઈ ભાલીયા, ગણપતસિંહ કાલિદાસ રાઠોડીયા અને રાવજીભાઈ ઉદેસિંહ પરમારનો સમાવેશ થાય છે.

પાદરા નગરમાંથી ત્રણ મોટા માથા સહિત પાંચને સસ્પેન્ડ કરાયા

વડોદરા જિલ્લાના પાદરા નગરમાંથી ત્રણ મોટા માથાઓ સહીત પાંચ હોદ્દેદારોને એક ઝાટકે પક્ષમાંથી સસ્પેન્ડ કરીને દૂર કરવામાં આવ્યા છે. જેમાં બક્ષીપંચ મોરચાના જિલ્લાના મહામંત્રી લાલજીભાઈ લક્ષ્મણભાઇ રબારી, પાદરા નગરના ઉપપ્રમુખ શંકરભાઇ લક્ષ્મણભાઇ રબારી, પાદરા નગરના યુવા મોરચાના મંત્રી પ્રિતેશભાઇ શંકરભાઇ રબારી, સક્રિય સભ્ય નીતિનભાઈ અરવિંદભાઈ પટેલ તેમજ પ્રાથમિક સભ્ય પદેથી મહિલા ઇન્દીરાબેન ઘનશ્યામભાઈ પટેલને દૂર કરવામાં આવ્યા છે.

વડોદરા તાલુકામાંથી બે અને કરજણમાંથી એક મહિલા સહિત ત્રણને પક્ષમાંથી હટાવાયા

વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ અશ્વિન પટેલ દ્વારા મોટાપાયે પક્ષવિરોધી પ્રવૃત્તિઓ કરનારને સાગમટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એમાં વડોદરા તાલુકાના બે પ્રાથમિક સભ્યો એવા દંપતી સુમનભાઈ અંબાલાલ પટેલ અને રીટાબેન સુમનભાઈ પટેલને સસ્પેન્ડ કર્યા છે.આ ઉપરાંત કરજણના પ્રાથમિક સભ્ય એવા રોમીલ મહેશભાઈ પટેલને પણ સસ્પેન્ડ કરાયા છે. આ કાર્યકરો દ્વારા ભાજપ વિરોધ પ્રચાર કરવામાં આવ્યો હોવાનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.

પુત્રને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડાવવાનું બાળકૃષ્ણ ઢોલારને ભારે પડયું

વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલ દ્વારા ડભોઇ તાલુકામાં ચાંદોદ તાલુકા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા એહુલભાઈ રાજુભાઈ માછીને દૂર કરવામાં આવ્યા છે. ત્યારે ડભોઇ નગરમાંથી પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ એન.પટેલ - ઢોલાર ઉપરાંત બે પ્રાથમિક મહિલા સભ્યો હસુમતીબેન ડી.વસાવા તથા બીબીબેન સિકંદર મન્સૂરીને સસ્પેન્ડ કરાયા છે.આ ઉપરાંત ચાર સક્રિય સભ્યોને પણ સસ્પેન્ડ કરાયા છે.જેમાં નગીનભાઈ સોલંકી,ધનરાજ ડી.નિકવાણી, મેહુલ એચ.શાહ(જૈન) તથા હિતેશકુમાર વી.શાહનો સમાવેશ થાય છે. બાલકૃષ્ણ પટેલે તેમના પુત્રને અપક્ષ ઉમેદવારી કરાવી છે.