દે.બારીયા, તા.૩૦ 

પ્રાથમિક શિક્ષકોની મુખ્ય માંગણીઓની વાત કરીએ તો ૪૨૦૦ ગ્રેડ પે, સીસીસી પાસને મૂળ તારીખથી ઉચ્ચત્તર પગાર ધોરણ મળે તેમજ મુખ્ય શિક્ષકને થતા અન્યાય સામે દાહોદ જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ વિવિધ સોશીયલ મીડિયા મારફતે આંદોલનનું રણશીંગુ ફૂક્યું છે. પ્રાથમિક શિક્ષકો પડતર પ્રશ્નો મુદ્દે પ્લે કાર્ડ, બેનર સાથે સોશીયલ મીડિયામાં ફોટો શેર કરીને સરકાર સામે અનોખો વિરોધ નોંધાવી રહ્યાં છે. આ બાબતે જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના મહામંત્રી નિતેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ૨૦૧૦ પહેલાના પ્રાથમિક શિક્ષકોને મળતું પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ ૪૨૦૦ ગ્રેડ પે શિક્ષણ વિભાગના ૩૧.૧.૧૯ ના પરિપત્ર અન્વયે સ્થગિત કરવામાં આવ્યું છે. જેથી દર મહિને શિક્ષકોને દસ હજાર રૂપિયા સુધીનું આર્થિક નુકસાન થઈ રહ્યું છે જે ખૂબ જ અન્યાયકારી છે. જેને લઇને સમગ્ર રાજ્ય સહિત દાહોદ જિલ્લાના શિક્ષકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત સીસીસી પાસ કરનારને મૂળ તારીખથી ઉચ્ચત્તર પગાર ધોરણનો લાભ આપવો જોઈએ. પ્રાથમિક શૈક્ષિક સંઘના અધ્યક્ષ બળવંતસિંહ ડાંગરે ઉમેર્યું હતું કે મુખ્ય શિક્ષક ની કેડર માટે વધ ઘટ, વિદ્યાર્થી રેશિયો, ઇજાફો, ઉચ્ચત્તર પગાર ધોરણ તેમજ આર.આર.ના પ્રશ્નો લાંબા સમયથી પડતર અથવા અસ્પષ્ટ છે. જેની સામે મુખ્ય શિક્ષકો પણ ખાસ્સી નારાજગી છે. રાજ્ય સંગઠનના હોદ્દેદારો અને સરકાર સાથેની બેઠકમાં યોગ્ય ઉકેલ ના આવતા હાલની પરિસ્થિતિએ સોશીયલ મીડિયામાં તા.૨૫ જૂનથી શરૂ થયેલા ઓનલાઇન આંદોલનમાં દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં શિક્ષકો અને મુખ્ય શિક્ષકો પોતાની માંગણીઓ સાથેનો ફોટો શેર કરીને વિરોધ દર્શાવી રહ્યાં છે.