દાહોદ

દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જેમ-જેમ નજીક આવી રહી છે તેમ તેમ આયારામ ગયારામ ની પ્રવૃત્તિ વધુ ને વધુ વેગીલી બનતા અને એકમાત્ર રાજકીય પાર્ટી કોંગ્રેસમાં જ ભંગાણ પડતાં પાર્ટીમાં એક પછી એક વાર ભૂકંપ સર્જાયો છે અગાઉ ઘણા કાર્યકર્તાઓએ કોંગ્રેસ પાર્ટી સાથે છેડો ફાડી ભાજપનો ખેસ પહેરી ભાજપમાં જાેડાયા હતા. ત્યારે આજરોજ દાહોદ તાલુકામાંથી કોંગ્રેસના ૭૦થી વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભારતીય ટ્રાઇબલ પાર્ટી નો ખેસ પહેરી બી.ટી.પી માં જાેડાતા કોંગ્રેસના વફાદાર કાર્યકર્તાઓની સાથે સાથે જિલ્લાના નેતૃત્વમાં પણ ખળભળાટ મચી જવા પામ્યો છે.

તેવા સમયે ભાજપની મુખ્ય હરીફ ગણાતી કોંગ્રેસ પાર્ટીમાં રોજ બરોજ ભંગાણ સર્જાતા કોંગ્રેસની હાલત એક સાંધે ત્યાં તેર તૂટે જેવી થવા પામી છે. તેવા સમયે આજરોજ નગરાળા તાલુકા પંચાયતના વર્તમાન તાલુકા સભ્ય ડામોર રૂમાલ ભાઈ લંબુ પોતાના ૭૦થી વધુ સમર્થકો સાથે કોંગ્રેસ સાથે છેડો ફાડી દાહોદ જિલ્લા બી.ટી.પી ના ઉપપ્રમુખ દેવેન્દ્રભાઈ મેડા દાહોદ તાલુકા મહામંત્રી માજુભાઈ કતિજા તેમજ દાહોદ તાલુકાના પ્રવક્તા મશુલભાઈ પારગી ની ઉપસ્થિતિમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટીનો ખેસ પહેરી પાર્ટીમાં જાેડાયા હતા. તેમજ નગરાળા નીમ નલિયા તેમજ નસીરપુર ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ભારતીય ટ્રાયબલ પાર્ટીમાં જાેડાયા હતા.