હિંમતનગર,તા.૧૮ 

સાબરકાંઠામાં પ્રિમોન્સૂન એક્ટીવીટી દરમિયાન વાવણી લાયક વરસાદ વરસતાં ખેડૂતોએ વહેલી વાવણી શરૂ કરી હતી પરંતુ વરસાદ ખેંચાયા બાદ સતત ભેજવાળું વાતાવરણ રહેતાં કાતરા પડ્યા છે અને મગફળી, સોયાબીન, કપાસ જેવા ખરીફ પાકના પાંદડા કોરી ખાઈ જતા ખેડુતોને મોટું નુકસાન થવાની દહેશત પેદા થઈ છે. ચાલુ વર્ષે ખેડૂતોએ સારા ચોમાસાની આગાહી અને પર્યાપ્ત પ્રિમોન્સૂન વરસાદને પગલે મોટાપાયે ખરીફ વાવેતર કર્યું છે. પરંતુ લાંબા સમયથી વરસાદ ખેંચાઈ જતા કાતરા નામની જીવાતનો ઉપદ્રવ વધ્યો છે. આ એવી જીવાત છે કે જે એક ખેતરમાં પડ્યા બાદ થોડા દિવસમાં જ ઊભા પાકના લીલાં પાનનો સફાયો કરી નાખે છે. લીલા પાન ખવાઈ જતાં છોડનો વિકાસ અટકી જાય છે. સામાન્ય રીતે તેનું આયુષ્ય ૨૦ થી ૨૭ દિવસનું હોય છે. બીજી એક માન્યતા પણ છે કે કાતરા પડ્યા હોય તેટલા સમય દરમિયાન ભારે વરસાદ થતો નથી !

ધનપુરાના પશાભાઈ પટેલે જણાવ્યું કે કપાસ ફેલ થઈ ગયો છે મગફળીના પાંદડા સાફ થઈ ગયા છે અને સોયાબીનને થકમાંથી સાફ કરી નાખ્યું છે. છોડનો વિકાસ બંધ થઇ જતાં નુકસાન જ છે. અન્ય એક ખેડૂત સુનિલભાઈએ જણાવ્યું કે કાતરાનો ઉપદ્રવ વધી ગયો છે. કેટલાક ખેડૂતોને મગફળી ફરીથી પેરવી પડશે આજુબાજુના ગામોમાં પણ કાતરા અને ડોળનો ઉપદ્રવ છે. ખેતીવાડી અધિકારી વી.કે. પટેલે જણાવ્યું કે જિલ્લામાં મગફળીનું વાવેતર સારું થયું છે. હાલ કોઈ સમસ્યા દેખાતી નથી પરંતુ પાણીની ખેંચ હોય તો કાતરાનો ઉપદ્રવ વધી શકે છે જેના માટે જૈવિક ફૂગ ૧ કિ.ગ્રા. અને લીંબોળીનું ખોળ અથવા ૯ તગારા સારૂ કહોવાયેલું છાણ મિક્સ કરી કંતાનમાં એક દિવસ પેક કરી મૂકી રાખ્યા બાદ ખેતરમાં પોંખી દેવું અને ઉપદ્રવ વધુ હોય તો કોન્ટેક્ટ ઇન્સેક્ટી સાઈડ્‌સ ક્લોરો પાયરી ફોર્સ ક્વીનાલ ફોસ ૫૦ એમએલનું ૧૫ લીટરમાં દ્રાવણ બનાવી છંટકાવ કરી નિયંત્રણ મેળવી શકાય છે.