થરાદ : બનાસકાંઠા જિલ્લાના સરહદી થરાદ, વાવ અને સૂઈગામ પંથકમાંથી પસાર થતી નર્મદાની દૈયપ કાસવી માયનોર નહેરોમાં ગાબડું પડવાના કારણે નજીકના ખેડૂતોના ખેતરોમાં પાણીનો ભરાઈ જતાં ભારે નુકસાન થવા વેઠવાનો વારો આવ્યો છે. છાશવારે તૂટતી કેનાલોને લઇને જિલ્લાના સરહદી પંથકના ખેડૂતો સિંચાઇ માટે ભારે મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે. આથી ખેડૂતોમાં ભારોભાર રોષની લાગણી પણ ફેલાયેલી જાેવા મળી રહી છે.બનાસકાંઠા જિલ્લાના સરહદી થરાદ, વાવ અને સુઇગામ પંથકના ખેડૂતોની રવિસિઝન હાથમાંથી મુઠ્ઠીમાંથી સરકતી રેતની જેમ સરકતી જઇ રહી છે. પરંતુ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની કહેવાતી મિલીભગત વચ્ચે ખેડૂતોને સિંચાઇ માટે સરકારે કરોડો રૂપિયાના ખર્ચથી બનાવેલી નહેરો માત્ર તૂટવા માટે જ બની હોય તેમ છાશવારે તટવાના બનાવો બની રહ્યા છે. એક બાજુ નહેરો કાગળની જેમ ચિરાઇ રહી છે.  

બીજી બાજુ છેવાડાના વિસ્તારોની કેનાલોમાં ઓછાવત્તું છોડાતું પાણી અને લેવલ વગરની કેનાલોના કારણે પાણી જ નહી પહોંચવાના કારણે ખેડૂતો પાણી માટે ટળવળી રહ્યા છે. ત્યાં વાવ તાલુકાના દૈયપ સુધી જતી થરાદ તાલુકાની ગડસીસર માયનોરમાં શનિવારની રાત્રે ૪૦ ફૂટનું ગાબડું થરાદના કાસવી ગામના ખેડૂત બારોટ મફજી હિરાજી અને પ્રેમાજી જશાજી બારોટના ખેતરમાં પડ્યું હતું.આથી તેમને રાયડાના પાકમાં જ્યારે કાસવી-૨માં પડેલા પાંચ ફૂટના ગાબડાના કારણે કાસવીના પટેલ સુરેશભાઇ નગાજીના ખેતરમાં જીરુંના પાકમાં પાણી ફરી વળતાં ભારે નુકશાન થયું હતું. પાણીનો વધારે પડતો ભરાવો થવાના કારણે તે સુકાતાં વાર લાગે તેમ હોઇ ખેડૂતોની રવિ સિઝન તો નિષ્ફળ જવા બરાબર થઈ ગઈ છે. વધારે પડતું પાણી છોડાવાના કારણે અને કેનાલનાં તકલાદી કામના કારણે નુકશાન ભોગવવાનો વારો આવ્યો હતો. બીજી બાજુ પખવાડીયા સુધી કેનાલ રિપેરીંગમાં વાર લાગવાના કારણે પાણી મળવામાં ખેડૂતોને વિલંબ થશે. આમ ખેડૂતોને બેવડું નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. કાસવીના ખેડુતોએ જણાવ્યું હતું કે આ કેનાલ લગભગ ૨૦ ફુટ ઉંચી છે. તેમાં વધુ પડતું પાણી છોડાવાના કારણે આ સ્થિતી સર્જાય છે. ગત રાત્રે જવાબદારોને જાણ કરવા છતાં પણ પાણી બંધ નહી કરાતાં ૧૭ એકર જમીનમાં પાણી ભરાઇ જતાં બેફામ વેડફાટ થવા પામ્યો હતો. વર્ષ ૨૦૧૪થી આ કેનાલમાં સતત ગાબડાં પડી રહ્યાં છે. ખેડુતોની સાથે ખેતરમાં કામ કરતા ભાગીયાઓને પણ આર્થિક રીતે ભારે નુકશાન થઇ રહ્યું છે. આ અંગે કાસવી ગામના ખેડૂત ખેતગર ગૌસ્વામીએ જણાવ્યું હતું કે ખેડૂતોમાં જવાબદાર વિભાગ દ્વારા તેનું સર્વે કરીને નુકશાનનું વળતર આપવામાં આવે તેવી માંગણી ઉઠવા છે.