વડોદરા : રાજયભરમાં ચકચાર જગાડનાર ગોત્રીના હાઈપ્રોફાઈલ રેપકાંડમાં સંડોવાયેલા મુખ્ય આરોપીઓના કોઈ સગડ મળ્યા નથી. પરંતુ આરોપીઓને મદદગારી કરી પ્રથમ દર્શનીય પુરાવા મળતાં ક્રાઈમ બ્રાંન્ચે આજે મોડી રાત્રે નંદન કુરીયરના એમડી કાનજી અરજણભાઈ મોકરીયાની ધરપકડ કરતાં આ કેસમાં ત્રીજા આરોપીનું નામ સપાટી પર આવ્યું છે.

ગોત્રી રેપકાંડના મુખ્યઆરોપી સીએ અશોક જૈન અને પાવાગઢ મંદિરના ટ્રસ્ટી રાજુ ભટ્ટને શોધવા માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમ હવામાં બાંચકા ભરી રહી છે. આ મુખ્ય આરોપીઓનો કોઈ પતો નહીં મળતાં ક્રાઈમ બ્રાંન્ચે હવે આરોપીઓને મદદગારી કરનારા તેમજ તેઓની જેમ ગુનાખોરી આચરનારા લોકોની પુછપરછ શરૂ કરી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીઓના મનાતા સાગરીતો પૈકીના એક નંદન કુરીયરના એમડી કાનજી અરજણભાઈ મોકરીયાની (રહે. ૨૯ અલકાપુરી સોસાયટી, વડોદરા)ની પણ છેલ્લા ચાર દિવસથી ઘનિષ્ઠ પુછપરછ હાથ ધરી હતી. તેની પુછપરછ બાદ કાનજી મોકરીયાની આરોપીઓને ભગાડવામાં તેમજ રેપકાંડ પીડિતાના ખાતામાં પાંચ હજાર જમા કરાવીને આરોપીઓને મદદગારી કરી હોવાના પ્રાથમિક પુરાવા મળતાં તેની આજે રાત્રે ધરપકડ કરવામાં આવી હોવાનું ક્રાઈમ બ્રાંન્ચે જણાવ્યું છે.