દેવગઢ બારિયા, તા.૮ 

દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકામાં જિલ્લા પંચાયતની એકપણ બક્ષીપંચ સિટ ન મળતા કોળી સમાજ ધુવાપુઆ બન્યો છે. દાહોદ જિલ્લા કોળી સમાજના પ્રમુખ સુરસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં સમાજના અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રી તથા ચૂંટણી આયોગને રજૂઆત કરી છે.

દાહોદ જિલ્લા પંચાયતની દેવગઢબારિયા તાલુકાના વિસ્તારનાં જિલ્લા સભ્યની છ બેઠકમાંથી એક પણ બેઠક બક્ષીપંચને મળેલ નથી. બારિયા તાલુકાની કુલ વસ્તીમાં ૭૫% વસ્તી બક્ષીપંચ છે. તેમાં ૯૦% કોળી સમાજનું વર્ચસ્વ છે તેમ છતાં એક પણ સીટ બક્ષીપંચની જાહેર થઈ નથી. તેમજ વર્ષોથી દે.બારિયા તાલુકા પંચાયત પણ આદિવાસી અનામત જાહેર થાય છે. અને રાજકીય રીતે કોળી સમાજનું કોઈ અસ્તિત્વ રહ્યું નથી. દે.બારિયા વિધાનસભા સીટ સમાન્ય રહે છે અને આ સીટ પર કોળી સમાજના ધારાસભ્ય ત્રણ ટર્મ થી ચૂંટાઇ ને હાલ ગુજરાત સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી છે.

દે.બારિયા તાલુકાની વસ્તી ગણતરી ૨૦૧૧ મુજબ તાલુકા ગ્રામ્યની કુલ વસ્તી ૨,૨૮,૩૦૫ છે. જેમાં બક્ષીપંચની કુલ ૧,૭૫,૫૨૬ વસ્તી છે. એટલે કે ૭૫% વસ્તી ધરાવતો બક્ષીપંચ સમાજને જિલ્લામાં નેતૃત્વ હીન કરી દેવાતા જિલ્લા કોળી સમાજના પ્રમુખ સુરસિંહ ચૌહાણની આગેવાનીમાં ગાંધીચિંધ્યા માર્ગે લડવાની તૈયારી બતાવી છે. ટૂંક સમયમાં તાલુકા પંચાયતનું જાહેરનામું આવનાર છે. છેલ્લા પાંચ ટર્મ થી અહી ૨૦% રહેતા આદિવાસી સમાજ તાલુકામાં સત્તા ભોગવે છે. જ્યારે ૭૫% કોળી સમાજ માત્ર બિચારો બનીને સહન કરી રહ્યો છે. કોળી સમાજના ધારાસભ્યને આ બાબતે ૨૦૧૫ માં ઉગ્ર રજૂઆત કરવા છતાં તેઓએ પણ કંઈ ન કર્યું હોવાનું આક્ષેપો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે. તાલુકા પંચાયતની બેઠકો પણ આજ પ્રમાણે ફાળવશે તો દાહોદ જિલ્લા કોળી સમાજના પ્રમુખ સુરસિંહ ચૌહાણ તથા કોળી સમાજના અગ્રણીઓ ઉગ્ર આંદોલન કરવા સુધીની તબ્બકાવાર યોજના ઘડી રહ્યા છે.