સુરત-

સુરત જિલ્લાના કીમ પાસે ડમ્પર ફૂટપાથ પર સૂતેલા લોકો પર ચડી ગયો હતો તે ઘટનાની શાહી હજુ સૂકાઈ નથી ત્યારે ફરીવાર સુરત શહેરમાં પુણા વિસ્તારમાં લક્ઝરી બસ ડિવાઈડર પર સૂતેલ વ્યક્તિ પર ચડી ગઈ હતી. આ દરમિયાન એકનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બસ નીચે ફસાયેલા વ્યક્તિને બહાર કાઢવાની ફાયર વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.

સુરત શહેરના પુણા વિસ્તારમાં આવેલા ગંગા હોટલ પાસે લક્ઝરી બસનો અકસ્માત સર્જાયો હતો. લાલ દરવાજા તરફથી આવતી ઓમ સાંઈ રામ લક્ઝરી બસ પુણાથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેથી બસે ડિવાઈડર પર સૂતેલા લોકોને અડફેટે લીધા હતા. જે પૈકી એકનું બસના ટાયરની નીચે આવી જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ દરમિયાન બસ મૂકીને ડ્રાઈવર ભાગી ગયો હતો. બસ અકસ્માતની જાણ થતા પોલીસ ટીમ પણ ઘટના સ્થળે ન્પહોચી હતી. ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે બસના ભાગી ગયેલા ડ્રાઈવરને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સાથે મૃતકની ઓળખ કરવાની તપાસ પણ શરુ છે.