વડોદરા : કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રિત કરવા માટે સરકાર દ્વારા તમામ પ્રયાસો થઇ રહ્યા છે. તમામ રાજ્યો શહેરોના તંત્ર દ્વારા કોરોના વાયરસને રોકવા માટે તમામ સાવચેતભર્યા પગલાં લેવાઇ રહ્યા છે. છતાં કોરોના વાયરસ વડોદરા શહેર જિલ્લામાં આઉટ ઓફ કંટ્રોલ નજરે પડી રહ્યો છે. વિતેલા ચોવીસ કલાક દરમિયાન શહેરની હોસ્પીટલોમાં કોરોનાની સારવાર લઇ રહેલા શિક્ષક સંઘના પ્રમુખ તથા બ્રહ્મ સમાજના અગ્રણી સહિત ૧૬ દર્દીઓના મોત નીપજ્યા હતા.  

આજે વધુ નવા ૧૧૫ કોરોના પોઝિટિવ કેસો નોંધાતા કોરોના પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા ૧૨,૪૯૬ પર પહોંચી હતી. બીજી તરફ ડેથ ઓડિટે વધુ એક દર્દીને કોરોનામાં મોત જાહેર કરતા કુલ મૃત્યુંઆંક ૨૦૪ થયો હતો. રોજબરોજ કોરોના પોઝિટિવની અને મોતની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતાં તંત્ર દ્વારા આંકડાકીય માહિતીનો ઢાંકપીછોડ કરવામાં આવી રહ્યા ના આક્ષેપો થઇ રહ્યા છે.

શહેરના અલગ અલગ હોસ્પિટલોમાં કોરોનાની સારવાર લઇ રહેલા ૧૭૨૯ દર્દીઓ પૈકી ૧૪૬૬ દર્દીઓની તબિયતમાં સુધારો હાલ તબક્કે થયો હતો. જ્યારે ૧૮૯ દર્દી ઓક્સિજન તથા ૭૬ દર્દીઓ વેન્ટીલેટર પર હોવાનું તબીબ સૂત્રોએ જણાવ્યું હતું.

આજે સારવાર દરમિયાન સાજા થયેલા ૭૬ દર્દીઓને હોસ્પિટલ તથા હોમ આઇસોલેશનમાંથી રજા આપવામાં આવી હતી. આ ૭૬ દર્દીઓમાં ૧૭ને સરકારી હોસ્પિટલમાંથી ૧૫ને ખાનગી હોસ્પિટલમાંથી તથા ૪૪ને હોમ આઇસોલેશનમાંથી મુક્ત થયા હતા.

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર દિવસ દરમિયાન આરોગ્યની વિવિધ ટીમોએ શહેરના સુભાનપુરા, મકરપુરા, તરસાલી, વીઆઇપી રોડ, છાણી, ગોત્રી, વડસર, ફતેગંજ, વાસણા-ભાયલી રોડ, વાઘોડિયા રોડ, માંજલપુર, કારેલીબાગ, આજવા રોડ, વારસીયા, તાંદલજા વગેરે વિસ્તારોમાં તથા તાલુકાના ડભોઇ, સેવાસી, સાવલી, કરજણ, ઉંડેરા, પોર, કેલનપુર, ભાયલી, કોયલી, જરોદ, તથા પાદરા ગ્રામ્યના વિસ્તારોમાંથી ૪૫૨૩ શંકાસ્પદ કોરોના લક્ષણ ધરાવતા વ્યક્તિના સેમ્પલો લેવામાં આવ્યા હતા. જેમાં ૪૪૦૮ કોરોના નેગેટીવ રીપોર્ટ આવ્યા હતા. જ્યારે ૧૧૫ પોઝિટિવ કેસ નોંધાયા હતા.

આજે આવેલા ૧૧૫ કોરોના પોઝિટિવ કેસોમાં શહેરના ચાર ઝોન તથા વડોદરા રૂલરમાંથી સૌથી વધુ રૂરલમાં ૪૨, પશ્ચિમ ઝોનમાં ૨૦, પૂર્વ ઝોનમાં ૧૯, ઉત્તર ઝોનમાં ૧૭ અને દક્ષિણ ઝોનમાં ૧૭ કેસો નોંધાયા હતા.

દર્દીનું મોત થતા મૃતદેહ પીપીઇકીટમા પેક કર્યો રીપોર્ટ નેગેટીવ આવતા તબિબો,સ્વજનો અટવાયા

શહેરના સુરેશ કાપડે નામના દર્દી કોરોનાના શંકાસ્પદ લક્ષણો સાથે સારવાર માટે તેઓ સયાજી હોસ્પિટલમાં આવ્યા હતાં. જ્યા તેમને દાખલ કરવામાં આવ્યા હતાં. ફરજ પરના તબિબોએ દર્દીનો કોરોના ટેસ્ટનો સેમ્પલ લઇને લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. દર્દી સુરેશભાઇનો કોરોના ટેસ્ટ રીપોર્ટ આવે તે પૂર્વે જ સારવાર દરમિયાન મોત થયું હતું. જેથી હોસ્પિટલના તબિબોએ દર્દીને કોરોના શંકાસ્પદ હોવાના આધારે તેમની ડેડબોડીને કોરોનાની ગાઇડ લાઇન મુજબ અંતિમ વિધિ કરવાની પ્રક્રિયા હાથ ધરી દર્દીની ડેડ બોડીને પીપીઇ કીટમાં પેક કરવા માટે ડેડ બોડીનો નિકાલ કરનાર કમિટીને સોંપવામાં આવ્યો હતો. ડેડ બોડી પેક થઇ ગયા બાદ એમ્બ્યુલન્સની રાહ જાેવાઇ રહી હતી એ દરમિયાન મૃતક દર્દી સુરેશભાઇ કાપડેનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યાનું જાહેર થયું હતું. જેથી તેમના પરિવારજનોએ કોરોનાની ગાઇલડ લાઇન મુજબ અંતિમ વિધિ કરવાનો પરિવારજનોએ ઇન્કાર કરતા વિવાદ ઉભો થયો હતો. એટલું જ નહી પરિવારજનોએ તેમના મૃતદેહને સગા સબંધીઓ તથા સ્વજનોની ઉપસ્થિતિમા અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય કરતા હોસ્પિટલમાં સમસ્યા સર્જાય હતી.