વડોદરા : શહેરમાં કોરોનાની સારવાર લઈ રહેલા સયાજી હોસ્પિટલના વહીવટી ઓફિસમાં પટાવાળા તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયેલ કર્મચારી સહિત ૧૯ દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. આ સાથે આજે વધુ નવા ૧૨૩ કોરોના પોઝિટિવ કેસો નોંધાતાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા ૧૦,૧૬૧ પર પહોંચી છે. બીજી તરફ સારવાર લઈ રહેલા અને તબિયતમાં સુધારો ધરાવતા ૧૧૯ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, જેથી ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા વધીને ૮૬૨૨ થઈ હતી.

ડેથ ઓડિટ કમિટીએ આજે વધુ ત્રણ દર્દીઓને કોરોનામાં મોત થયાનું જાહેર કરતાં કોરોનાનો સત્તાવાર મૃત્યુઆંક વધીને ૧૬૯ થયો હતો. હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ૧૩૭૦ દર્દીઓ પૈકી ૧૧૫૭ દર્દીઓની હાલત સુધારા પર, ૧૫૯ ઓક્સિજન પર, ૫૪ વેન્ટિલેટર પર હોવાનું તબીબીસૂત્રોએ જણાવ્યું હતું.

શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર લઈ રહેલા અને સયાજી હોસ્પિટલમાં વહીવટી કચેરીમાં પટાવાળા તરીકે ફરજ બજાવીને નિવૃત્ત થયેલા ૬૯ વર્ષીય વૃદ્ધને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતાં તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં જ દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ શ્વાસની તકલીફ ધરાવતા હોવાથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા, જ્યાં તેમની તબિયત અચાનક લથડતા તેમનું સારવાર વેળા મોત થયું હતું. મકરપુરા જીઆઈડીસીના નહેરુનગરમાં રહેતા ૭૦ વર્ષીય વૃદ્ધને તાવ, ખાંસી અને શ્વાસની તકલીફ થતાં તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. ગોત્રી વિસ્તારમાં રહેતા ૭૭ વર્ષીય વૃદ્ધને શંકાસ્પદ કોરોનાના લક્ષણો સાથે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની તબિયત અચાનક લથડતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તરસાલી વિસ્તારના સોમનાથનગરમાં રહેતા ૭૭ વર્ષીય વૃદ્ધ કોરોના સંક્રમિત બન્યા હતા. તેમને સારવાર માટે કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ સહિત અન્ય દસ કોરોનાના દર્દીઓના સારવાર દરમિયાન મોત નીપજ્યાં હતાં.

આજે દિવસ દરમિયાન શહેરના મકરપુરા, માણેજા, સમા, ગોરવા, વાઘોડિયા રોડ, નાગરવાડા, આજવા રોડ, વડસર, તાંદલજા, નવાપુરા, છાણી, મુજમહુડા, સુભાનપુરા, ગોત્રી, વીઆઈપી રોડ સહિતના વિસ્તારો અને જિલ્લામાંથી ધાવટ, કરજણ, ડભોઈ, કંડારી, શિનોર, વાઘોડિયા, સાવલી, ડેસર, આજાેડ, બિલ, ઊંડેરા સહિતના ગામોમાંથી ૩૯૮૮ સેમ્પલો લેવામાં આવ્યા હતા, જેમાં ૩૮૬૫ સેમ્પલોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા, જ્યારે ૧૨૩ સેમ્પલોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.

સિટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ કચેરીમાં કર્મચારી પોઝિટિવ આવતાં તા.૧૯ સુધી કચેરીની કામગીરી સ્થગિત

વડોદરા તા.૧૭ સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટ નં.૩ કચેરીમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા મહિલા કર્મચારીનોકોરોના વાઇરસનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આથી કચેરીમાં સેનિટાઇઝેશન સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. આથી તા.૧૯ સપ્ટેમ્બર-૨૦૨૦ સુધી કચેરીને લગતી તમામ કામગીરી તકેદારીના ભાગરૂપે જાહેર આરોગ્યના હિતમાં સ્થગિત કરવામાં આવી છે. આ અંગે સંબંધિતોને નોંધ લેવા, ઇન્ચાર્જ સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટ નં.૩ દૃની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.