વડોદરા

આઈઓસીએલ કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા આધેડ કર્મચારી સવારે ચા પીતી વખતે અચાનક ઢળી પડતાં તેમને બેભાન હાલતમાં સારવાર અર્થે ગોત્રી ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તેમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવની વિગત અનુસાર વડોદરા તાલુકાના કોયલી ગામના કોયલી વગામાં સુરેશભાઈ મકવાણા (ઉં.વ.પર) તેમના પરિવાર સાથે રહેતા હતા. તેઓ આઈઓસીએલ કંપનીમાં કોન્ટ્રાકટ પર પ્લમ્બરિંગનું કામ તેમજ મિસ્ત્રીકામ તરીકે નોકરી કરતા હતા. તેઓ ગઈકાલે સવારે રાબેતા મુજબ નોકરી પર ગયા હતા, જ્યાં તેમને સોંપવામાં આવેલ કામગીરી કરતા હતા. રોજની જેમ કંપનીમાં સવારે ૧૦ વાગે ચા નાસ્તા માટે રિસેસ પડી હોઈ તેઓ કેન્ટિન પાસે ચા પીતા હતા તે વખતે સુરેશભાઈ મકવાણા અચાનક ઢળી પડયા હતા. આ બનાવને પગલે તેમની સાથે હાજર સહકર્મચારીઓએ તેમના ઉપલા અધિકારીને આ બાબતની જાણ કરતાં ૧૦૮ મારફત સારવાર માટે ગોત્રી જનરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં દાખલ કરવામાં આવતાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. તે બાદ આ બનાવની જાણ ગોત્રી પોલીસ મથકને કરવામાં આવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડયો હતો. પરિવારજનોએ સુરેશભાઈના મોત અંગે એટેકની શંકા વ્યક્ત કરી હતી.